નર્મદા નીરના લોકાર્પણના ગણતરીના કલાકોમાં ભૂતિયા ગામનાં લોકોનું પરાક્રમ….!
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામે થી પસાર થતી સૌની યોજના લાઈન ભૂતિયા ગામના લોકો એ ખોલી ગામના તળાવમાં પાણી છોડતાં આ મુદ્દે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.સમગ્ર બનાવ અંગે પાણી પુરવઠા નિગમ ભાવનગર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર રાજ્ય સરકારે સૌનીયોજના અંતર્ગત ભાવનગર શહેર ના ગૌરીશંકર સરોવર(બોરતળાવ) ને ભરવા માટે ગારિયાધાર તાલુકાના વિકળીયા ગામે આવેલ નર્મદા ની મુખ્ય કેનાલ-પંમ્પીગ સ્ટેશનથી ૫૩ કિલોમીટર દૂર ભાવનગર શહેર ના બોરતળાવ સુધી એક કરોડ ૪૭ લાખ રૂપિયા નો ખર્ચ કરી ભૂગર્ભ લાઈન પાથરી પાણી પહોંચાડવામાં આવ્યું હતું અને ગત તા,૭ ઓગષ્ટ ને શનિવારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ નર્મદાના નિરના વધામણાં કરી વિધિવત રીતે બોરતળાવ ભરવાનો પ્રારંભ કરાવ્યો હતો આ ઘટનાને ચોવીસ કલાક પણ વિત્યા ન હતાં એ દરમ્યાન સિહોર તાલુકાના ભૂતિયા ગામે થી આ લાઈન પસાર થતી હોય આ ગામનાં કેટલાક વિઘ્નસંતોષીઓએ આ લાઈનના એરવાલ્વ ના નટબોલ્ટ ખોલી પાણીનો વહેતો ભારે પ્રવાહ ગામનાં તળાવ તરફ વાળી લીધો હતો આ અંગેની જાણ અધિકારીઓ ને થતાં અધિકારીઓ મિકેનિકલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને વિકળીયા પંમ્પીગ સ્ટેશનેથી પાણીનો પ્રવાહ બંધ કરાવી લાઈન સમારકામ નું કાર્ય યુધ્ધ ના ધોરણે હાથ ધર્યું હતું આ અંગે અધિકારી એ ભૂતિયા ગામનાં શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિઘ્નસંતોષીઓ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.