રાજ્ય સરકાર દ્વારા જિલ્લાની ૬ નગરપાલિકાઓ માટે રૂ.૩૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી : સિહોરમાં રૂા. ૨૦.૫૮ લાખના ખર્ચે બનેલ આર.સી.સી. રોડનું લોકાર્પણ કરતાં મંત્રી પરશોત્તમભાઇ સોલંકી
તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ’સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
તે અંતર્ગત આજે આ કડીના આઠમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘શહેરી જનસુખાકારી દિવસ’ અંતર્ગત ભાવનગરના સિહોરના ‘બંધન પાર્ટી પ્લોટ’ ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી ભાવનગરના મત્યોદ્યોગ રાજ્યમંત્રીશ્રી પરશોત્તમભાઇ સોલંકીએ જણાવ્યું કે, જનતા જનાર્દનના સુખ માટે શક્ય એટલાં પ્રયત્નો કર્યો છે. આપના આશિર્વાદ છે કે, મને ૨૩ વર્ષથી લોકોની મંત્રી તરીકે સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે, હું પહેલાં પણ તમારો હતો અને આજે પણ તમારો છું.
તમારા કોલ પડે એટલે હું તમારી સેવામાં હાજર રહીશ. કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, વર્તમાન સરકારને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનના વડપણમાં સુશાસનનાં ૫ વર્ષ પૂર્ણ થયાં છે. તેના ઉપક્રમે જિલ્લામાં છેલ્લાં આઠ દિવસથી વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઇ રહ્યાં છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે નવ દિવસ સુધી સતત જુદાં જુદાં કાર્યક્રમનું આયોજન કરીને લોકો સુધી કેવી રીતે સરકારી સેવાઓ પહોંચાડી શકાય તેવા પ્રયત્ન કર્યાં છે. તેનાં ભાગરૂપે શહેરી જન સુખાકારી દિવસનો કાર્યક્રમ આપણે કરી રહ્યાં છીએ.તેમણે કહ્યું કે, શહેરી સુખાકારી દિવસનાં ભાગરૂપે આજે આપણે આપણાં જિલ્લામાં ૬ નગરપાલિકાઓ વલ્લભીપુર, ગારીયાધાર, તળાજા, મહુવા, સિહોર અને પાલિતાણા માટે રૂ.૩૦ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આ ૩૦ કરોડની ગ્રાન્ટ દ્વારા આગામી એક વર્ષ સુધી નગરપાલિકાની ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થાઓ આપણે ઉભી કરી શકીશું તેમ જણાવી તેમણે કહ્યું કે, રોડ, ગટર, પીવાનાં પાણી જેવી પ્રાથમિક સગવડો આપણે આ અગાઉ જ ઉભી કરી દીધી છે. ઘણીબધી નગરપાલિકાઓ પાસે તો આ નવી ગ્રાન્ટ સિવાય અન્ય ગ્રાન્ટ પણ મળતી હોય છે. તેનાં માટે શહેરીજનો માટે સુખાકારી માટેની નવી વ્યવસ્થાઓ ઉભી કરી શકાશે. જેનાં થકી સમાજ જીવનને વધુ બહેતર બનાવી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે નગરપાલિકાઓને આ નાણાનું યોગ્ય વ્યવસ્થાપન કરીને વધુને વધુ સારી નાગરિક સેવાઓ આપી શકાય તે દિશાના પ્રયત્ન કરવાં તથા ગુણાત્મક કામો કરવાં શીખ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, પ્રાદેશિક કમિશ્નર અજય દહિંયા સહિતનાં પદાધિકારીશ્રીઓ-મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.