૨૪ કલાકમાં ૪૯૧ લોકોના મૃત્યુ : ઓગસ્ટમાં આ ત્રીજીવાર છે જ્યારે કોરોનાના નવા કેસ ૪૦ હજારથી ઓછા નોંધાયા : એક્ટિવ કેસમાં ઘટાડો
નવી દિલ્હી, તા.૮
ભારતમાં કોરોનાની બીજી લહેર હવે સ્થિર છે. દેશભરમાં આશરે ૪૦ હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૦૭૦ નવા કોરોના કેસ આવ્યા અને ૪૯૧ લોકોના મૃત્યુ થયા છે. પરંતુ આ દરમિયાન ૪૩૯૧૦ લોકો સાજા પણ થયા છે, એટલે કે કાલ કરતા એક્ટિવ કેસમાં ૫૩૩૧નો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં આ ત્રીજીવાર છે જ્યારે કોરોનાના નવા કેસ ૪૦ હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા ૨ ઓગસ્ટ અને છ ઓગસ્ટે ૪૦ હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા. ૧ ઓગસ્ટના રોજ ૪૦૧૩૪, ૨ ઓગસ્ટના ૩૦૫૪૯, ૩ ઓગસ્ટના ૪૨૬૨૫, ૪ ઓગસ્ટના ૪૨૯૮૨, ૫ ઓગસ્ટના ૪૪૬૪૩, ૬ ઓગસ્ટના ૩૮૬૨૮ નવા કોરોના કેસ નોંધાયા હતા. મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ ૧૯ લાખ ૩૪ હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી ૪ લાખ ૨૭ હજાર ૮૬૨ લોકોના મોત થયા છે. સારી વાત છે કે ૩ કરોડ ૧૦ લાખ ૯૯ હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હજુ ચાર લાખથી વધુ છે. કુલ ૪ લાખ ૬ હજાર લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના કુલ કેસ – ત્રણ કરોડ ૧૯ લાખ ૩૪ હજાર ૪૫૫, કુલ સાજા થયા – ત્રણ કરોડ ૧૦ લાખ ૯૯ હજાર ૭૭૧, કુલ સક્રિય કેસ – ચાર લાખ ૬ હજાર ૮૨૨, કુલ મૃત્યુ- ચાર લાખ ૨૭ હજાર ૮૬૨, કુલ રસીકરણ – ૫૦ કરોડ ૬૮ લાખ ૧૦ હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. કેરલમાં શનિવાર કોરોના વાયરસ સંક્રમણના ૨૦૩૬૭ નવા કેસ સામે આવ્યા છે. સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધી ૩૫ લાખ ૩૩ હજાર ૯૧૮ સુધી પહોંચી ગઈ છે. તો આ સમયગાળા દરમિયાન ૧૩૯ લોકોના મોત થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા વધી ૧૭,૬૫૪ થઈ ગયા છે. કેરલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૨૬૫ દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધી ૩૩ લાખ ૩૭ હજાર ૫૭૯ લોકો સાજા થઈ ચુક્યા છે. કેરલમાં હાલ ૧ લાખ ૭૮ હજાર ૧૬૬ એક્ટિવ કેસ છે.