ન્યુ દિલ્હી,તા.૮
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભનો આગામી હપ્તો ૯ ઓગસ્ટ બપોરે ૧૨.૩૦ કલાક વીડિયો કોન્ફરન્સ દ્વારા જારી કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક અખબારી યાદીમાં તેની સૂચના આપી છે. તેનાથી ૯.૭૫ કરોડથી વધુ કિસાન પરિવારોના ખાતામાં ૧૯૫૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી કિસાનો સાથે વાતચીત પણ કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ કિસાન યોજના હેઠળ કિસાન પરિવારોને ૬૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આ પૈસા ૨૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અત્યાર સુધી ૧.૩૮ લાખ કરોડથી વધુ રકમ કિસાન પરિવારોને મોકલવામાં આવી ચુકી છે. આ તકે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે. આ પહેલા ૧૪ મેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભનો આઠમો હપ્તો જારી કર્યો હતો. આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ખેડૂત પાસે આધારકાર્ડ હોવું જરુરી છે. આધાર કાર્ડ વગર આ યોજનાનો ફાયદો ઉઠાવી શકતા નથી. તેની સાથે બે હજાર રુપિયાનો હપ્તો મેળવવા માટે બેન્કમાં ખાતું પણ હોવું જરુરી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં રકમ આવે છે. બેન્ક ખાતુ આધાર સાથે લિંક થયેલું હોવું જરુરી છે. જો કોઈ દસ્તાવેજ જમા કરવાનો રહી ગયો હોય તો ઓનલાઇન અપલોડ કરી શકાય છે. જો અત્યાર સુધી પીએમ કિસાન સમ્માન નિધિ માટે અરજી કરી ન હોય તો સરકારી વેબસાઇટ પર જઈ અરજી કરી શકાય છે. આ ઉપરાંત તેના લાભાર્થીઓમાં નામ છે કે નહીં તે ઓનલાઇન ચેક પણ કરી શકાય છે.