અમદાવાદ,તા.૮
રાજ્યના ૨૦૦૦ જેટલા જુનિયર ડોકટર કેટલીક માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના પણ જુનિયર ડોકટર ૫ દિવસથી હડતાળ પર છે. આજે હડતાળના પાંચમાં દિવસે ડોક્ટરોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. જેમાં અનેક ડોક્ટરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ઉપરાંત ડોક્ટરોએ કહ્યું કે, બપોર સુધી માંગણી પૂરી ના થાય તો કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ પણ સરકારને પરત આપીશું. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટર પાંચ દિવસથી હડતાળ પર છે. ત્યારે આજે હડતાળના પાંચમાં દિવસે ડોકટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરોએ સ્વેચ્છાએ બ્લડ ડોનેશન કર્યું હતું. ડોક્ટરોએ તેમને અપાયેલા મેડલ સર્ટિફિકેટ બપોર સુધી તેમની માંગણીનો સ્વીકાર ના થાય તો પરત આપવાની તૈયારી દર્શાવી છે. જુનિયર ડોકટર ઉમાને જણાવ્યું હતું કે, આજે હડતાળનો ૫મો દિવસ છે. ત્યારે અમે હડતાળ હજુ યથાવત જ રાખવાના છીએ. હડતાળ હોવા છતાં કાલે ઓર્ગન ડોનેશનમાં અમારી જરૂર હતી. હડતાળના સમયે પણ અને કામ કરીને માનવતા દાખવી છે. આજે ૫માં દિવસે બ્લડ ડોનેશન કર્યું હતું. જેમાં અનેક ડોકટરો જોડાયા હતા, આજ બપોર સુધી સરકાર દ્વારા નિવારણ નહીં આવે તો અમને અપાયેલ કરુણા વોરિયર્સનું સર્ટિફિકેટ અમે સરકારને પરત આપીશું. કોવિડની મહામારીમાં દર્દીની ખડેપગે સેવા કરનાર અમદાવાદ સહિત રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજોના બે હજારથી વધુ જુનિયર ડોક્ટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જ્યારે બીજી તરફ સરકારે જુનિયર ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશો જારી કર્યા છે. છતાં જુનિયર ડોક્ટરો હડતાળ યથાવત રાખવા મક્કમ છે. જેથી જુનિયર ડોક્ટરો અને સરકાર આમને સામને આવી ગયા છે. જુનિયર ડોક્ટરોની હડતાળ છતાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી-ઓપીડી સહિતની સેવાઓ યથાવત છે, પણ ૪૫ ટકા પ્લાન્ડ સર્જરી રદ કરવાની ફરજ પડી છે. જો કે, હોસ્પિટલતંત્ર દ્વારા સિનિયર ડોક્ટરો(ફેકલ્ટી) ની રાઉન્ડ ધ કલોક ડ્યૂટી ગોઠવાઇ છે.