ગોલ્ડ મેડલ મળવાની ખુશીમાં ચંડીગઢના ઓટોડ્રાઈવર એક દિવસ માટે મફતમાં મુસાફરી કરાવશે

137

ચંડીગઢ,તા.૮
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું દેશના લોકોનું સપનું પૂરું થયું છે, બરછી ફેંકનાર નીરજ ચોપરા દ્વારા ફેંકવામાં આવેલા ભાલાનો પડઘો આખા વિશ્વમાં પડી રહ્યો છે. આખા દેશમાં ખુશીનો માહોલ છે. લોકો અલગ અલગ રીતે ખુશી વ્યક્ત કરી રહ્યાં છે, એવી જ રીતે, ગોલ્ડ મેડલ જીતવાની ખુશીમાં ચંડીગઢના એક ઓટો ડ્રાઈવર અનિલ કુમાર આજે એક દિવસ માટે તેમની રીક્ષામાં બેસનાર તમામ મુસાફરોને મફતમાં મુસાફરી કરાવશે. તેમનું કહેવું છે કે, ’કોરોનાના સમયગાળા દરમિયાન દેશના ખેલાડીઓએ જે રીતે પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી તેના કારણે તેઓ આ સ્થાન સુધી પહોંચી શક્યા. ચંદીગઢમાં ભણેલા- ગણેલા અને ત્યાં જ રમેલા નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો એની ઉજવણીના ભાગરૂપ તેઓ આજના દિવસે તમામ મુસાફરોને મફતમાં મુસાફરી કરાવશે.’ અનિલે કહ્યું, ’આ વખતે ટોક્યોમાં દેશ માટે ખેલાડીઓએ જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર વખાણવા લાયક છે. તેમના મતે દેશના ખેલાડીઓ માટે તેમને ઘણો પ્રેમ છે અને તેઓ જે કામ કરે છે એ રીતે જ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહ્યાં છે.’ તેમણે કહ્યું કે, ’આજે સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી જે કોઈ પણ તેમની રીક્ષામાં સવારી કરવા ઈચ્છશે તેમને તેઓ મફતમાં મુસાફરી કરાવશે.’ અનિલે જણાવ્યું, ’તે શહેરમાં દરરોજ લગભગ ૧૫૦ કિલોમીટર રીક્ષા ચલાવે છે, જેમાંથી ૫૦૦ રૂપિયા જેટલું કમાય છે. દેશ માટે મેડલ લાવનાર ખેલાડીઓ પ્રત્યે પોતાના સ્તરે પ્રેમ આપવા માટે તેઓ મફતમાં મુસાફરી કરાવી રહ્યાં છે.’ આ અગાઉ પણ અનિલે ઓલિમ્પિકમાં મેડલ લાવનારા ખેલાડીઓ માટે પાંચ દિવસ સુધી મફતમાં મુસાફરીનું બોર્ડ પોતાની ઓટો પર બોર્ડ લગાવ્યું હતું. આ ઉપરાંત અનિલ કુમાર આર્મીના જવાનો અને ગર્ભવતી મહિલાઓને પોતાની રીક્ષામાં મફત મુસાફરી કરાવે છે. તેમનું કહેવું છે, દેશના સેનાના જવાનોને તેમની રીક્ષામાં મુસાફરી કરાવીને તેઓ ખુશી અનુભવે છે. શહેરની સાંકડી ગળીઓમાં જ્યાં હોસ્પિટલની મોટી ગાડીઓ જઇ શકતી નથી, એવી જગ્યાએ રહેનાર ગર્ભવતી મહિલાઓને અનિલ તેમની રીક્ષામાં મફતમાં હોસ્પિટલ પહોંચાડે છે.

Previous articleટોક્યો ઓલિમ્પિક રમત સમાપ્તીના આરે, એક જ દિવસમાં ૪,૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા
Next articleઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાના ૩ કલાકની અંદર નીરજ ચોપરાને ૧૩.૭૫ કરોડ કેશ આપવાની જાહેરાત