ન્યુ દિલ્હી,તા.૮
જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિક અથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે શનિવારે રમાયેલી ફાઈનલમાં ૮૭.૫૮ મીટરની બેસ્ટ થ્રોની સાથે જેવલિન થ્રોનો ગોલ્ડ મેડલ પતાના નામે કર્યો છે. નીરજની જીતના પગલે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઐતિહાસિક જીતના અભિનંદન આપ્યા. વડાપ્રધાને તેમની સાથે ફોન પર વાતચીત પણ કરી. ગૃહમંત્રી અમિત શાહ, સેના પ્રમુખ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેમને અભિનંદન આપ્યા છે. નીરજની આ ઐતિહાસિક ઉપલબ્ધિ પછી તેમની પર ઈનામોનો વરસાદ શરૂ થઈ ગયો છે. જીતના ત્રણ કલાકમાં જ નીરજને ૧૩.૭૫ કરોડ રૂપિયા કેશ પ્રાઈઝ આપવાની જાહેરાત કરવામાં આવી. તેમાં રાજ્ય સરકારોથી લઈને રેલવે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને પોતાના તરફથી નીરજને કેશ રિવોર્ડ આપવાની જાહેરાત કરી છે. હરિયાણાના નીરજને રાજ્યના મુખ્યમંત્રીએ ૬ કરોડ રૂપિયા કેશ અને ક્લાસ-વન જોબ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેની જાહેરાત કરતા કહ્યું કે અમે પંચકૂલામાં એથલેટ્સ માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવીશું. નીરજ ઈચ્છે તો અમે તેમને ત્યાંના પ્રમુખ બનાવીશું. નીરજને ૫૦ ટકા ડિસ્કાઉન્ટની સાથે હરિયાણા સરકાર પ્લોટ પણ આપશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે(બીસીસીઆઈ) પણ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાને ૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય સેનામાં કાર્યરત નીરજ ચોપરાને ૨ કરોડ રૂપિયા કેશ ઈનામ આપવાની જાહેરાત કરી છે. કેપ્ટને કહ્યું કે એક સૈનિક તરીકે નીરજે દેશને ગૈરવ અપાવ્યું છે. તેમની આ ઉપલબ્ધી ઐતિહાસિક છે. તેની સાથે જ મણિપુર સરકારે પણ નીરજને ૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સો.મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. રેલવેએ પણ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ અને તેમના કોચને કેશ અવોર્ડ આપવાની જાહેરાત કરી છે. રેલવેએ ગોલ્ડ જીતનારા ખેલાડીઓને ૩ કરોડ રૂપિયા અને તેમના કોચને ૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Home National International ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાના ૩ કલાકની અંદર નીરજ ચોપરાને ૧૩.૭૫ કરોડ કેશ આપવાની...