)ન્યુ દિલ્હી,તા.૮
ભારતની ઑલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતવાની સવાસો વર્ષ જૂની ભૂખ ભાંગી હોય એમ જવેલીન થ્રોમાં ભારતને પ્રથમ ગોલ્ડ મળી ગયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડી નીરજ ચોપરા પર તમામ દેશવાસીઓને ગર્વ છે. ભારતના તમામ નાગરિકોના મોઢે આજે નીરજ ચોપરનું નામ રમતું થઈ ગયું છે. દેશભરમાંથી તેમના માટે અભિનંદન સંદેશા અને પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ કંપનીની આગામી એક્સયુવી૭૦૦ ને ભાલા ફેંક સ્પર્ધામાં દેશના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ભેટ આપવાનું વચન આપ્યું છે. નીરજ ચોપરાએ મેડલ જીત્યાના થોડા સમય બાદ મહિન્દ્રાએ આ જાહેરાત કરી હતી. હકીકતમાં, ટિ્વટર પર તેના એક અનુયાયીએ મહિન્દ્રાને નીરજ ચોપરાને એક્સયુવી૭૦૦ ભેટ આપવા કહ્યું. જેના માટે આનંદ મહિન્દ્રાએ લખ્યું, “હા બિલકુલ. અમારા ગોલ્ડન એથ્લીટને એક્સયુવી૭૦૦ની ભેટ આપવી એ અમારા માટે લહાવો અને સન્માન હશે. ” ઓલિમ્પિકની ભાલા ફેંક રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા માટે હરિયાણા સરકારે ૬ કરોડની રકમ, ક્લાસ-૧ અધિકારીની નોકરી સહિતના બીજા ઈનામોની જાહેરાત કરી છે. આ સિવાય તેમના ગામમાં એક એથ્લેટિક કોમ્પલેક્ષ ખોલવામાં આવશે જેનાં વડા તરીકે નિરજની નિમણૂક કરવામાં આવશે. આ સિવાય મણિપુર સરકારે પણ નિરજને એક કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી દીધી હતી. આ સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ મોટી જાહેરાત કરી દીધી હતી. તેમણે પણ નિરજને એક કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી દીધી હતી.