ન્યુ દિલ્હી,તા.૮
ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે ખુશીઓ લઈને આવ્યો હતો. એક તરફ નીરજ ચોપડાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો, તો બીજી તરફ રેસલર બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ પોતાની આ ઐતિહાસિક સિદ્ધિને દિગ્ગજ ધાવક મિલ્ખા સિંહને સમર્પિત કરી. ફ્લાઇંગ શીખના નામથી જાણીતા મિલ્ખા સિંહનું જૂનમાં કોરોનાને કારણે નિધન થયું હતું. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચોપડાએ કહ્યું, મિલ્ખા સિંહ સ્ટેડિયમમાં રાષ્ટ્રગાન સાંભળવા ઈચ્છતા હતા. હવે તે આ દુનિયામાં નથી પરંતુ તેમનું સપનું પૂરુ થઈ ગયું. નીરજ તરફથી મળેલા આ સન્માનથી મિલ્ખા સિંહના પુત્ર અને સ્ટાર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ ભાવુક થઈ ગયા અને તેમણે દિલથી નીરજનો આભાર માન્યો છે. જીવે ટિ્વટર પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા લખ્યું, પિતાજી વર્ષોથી તેની રાહ જોઈ રહ્યા હતા. એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલથી તેમનું સપનું આખરે સાકાર થયું. આ ટ્વીટ કરતા હું રડી રહ્યો છું. મને વિશ્વાસ છે કે ઉપર પિતાજીની આંખોમાં પણ આંસુ હશે. આ સપનું સાકાર કરવા માટે આભાર. તેમણે આગળ લખ્યું-તમે ન માત્ર ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે એથ્લેટિક્સનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો, તમે તેને મારા પિતાને સમર્પિત કર્યો. મિલ્ખા પરિવાર આ સન્માન માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. ટોક્યો ઓલિમ્પિકમાં સારૂ પ્રદર્શન કરતા ભારતીય ખેલાડીઓએ સાત મેડલ પોતાના નામે કર્યા છે. ભારતે ૧ ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે ઓલિમ્પિકનું સમાપન કર્યુ છે. ભારતે કોઈ એક ઓલિમ્પિક ગેમ્સમાં સર્વાધિક મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. નીરજ ચોપડાના ગોલ્ડ સિવાય મીરાબાઈ ચાનૂને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, પીવી સિંધુને બેડમિન્ટનમાં બ્રોન્ઝ અને લવલીનાએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો ભારતીય પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ અને રેસલર રવિ દહિયાને સિલ્વર તથા બજરંગ પૂનિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
Home Entertainment Sports નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો મેડલ, જીવ મિલ્ખા સિંહે ભાવુક થઈ...