અમદાવાદ,તા.૮
શહેરમાં વધતા જતા પ્રદુષણના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રદુષણની માત્રા ઘટાડવા અને ઓક્સિજનનો વ્યાપ વધારવા અલગ અલગ વિસ્તારોમાં વન ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ગોતા વિસ્તારમાં જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પદ્ધતિથી ગોતામાં ૬૫ હજાર વૃક્ષોનું જંગલ બનાવવાનું આયોજન છે. જેની શુભ શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષ વાવીને કરી છે. શહેરના ગોતા વિસ્તારમાં ૪૦ હજાર વારથી પણ મોટા પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ૬૫ હજારથી વધુ ઝાડ વાવી જંગલ બનાવવા જઈ રહ્યું છે. જે માટે જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. જાપાની મિયાવાકી પધ્ધતિ શુ છે તે સમજીએ તો જાપાનના ડો. મિયાવાકીએ એક એક ફૂટના અંતરમાં વૃક્ષો વાવવામાં આવે છે. ઘનઘોર જંગલ જેવુ જ પ્રતિત કરાવતું આ પાર્કમાં અલગ અલગ જાતિના ફૂલો અને વૃક્ષો વાવવામા આવશે. આ વનમાં ખાખરા,વડ, નગોડ, પીપલ, ટીમબારું, સિસમ જેવા અલગ અલગ પ્રજાતિના વૃક્ષો વાવવાનું આયોજન છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષારોપણ કરી જણાવ્યું કે, શહેરી વિકાસ દિવસ નિમિત્તે કોર્પોરેશને ગ્રીન અમદાવાદ ૬૫ હજાર વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ દિવસને લઈ ગ્રીન અને ક્લીન અમદાવાદ સંકલ્પ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલિયન ટ્રી અભ્યાન ચલાવી રહ્યું છે. મિયાવાકી ફોરેસ્ટ રાજ્યમાં અનેક જગ્યાએ વાવેતર થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જમાં સજાગ છે. પર્યાવરણનું જતન થાય તે માટે ગુજરાત આગળ વધી રહ્યું છે. સાથે પર્યાવરણ માટે વધુ માં વધુ વૃક્ષો વાવેતર થાય તે માટે સરકાર કાર્યરત છે.