રાજકોટમાં રેસકોર્સ રિંગ ફેઝ-૨ના રોડને મુખ્યમંત્રીએ ખૂલ્લો મૂક્યો

143

રાજકોટ,તા.૮
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રૈયા રોડ પર પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વર્ચ્યુલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઇન જોડાયા હતા. જામનગર રોડથી સીધો ગોંડલ રોડને જોડતા રેસકોર્સ રિંગ રોડ-૨ના ફેઝ ૨ એટલે કે કાલાવડ રોડથી ગોંડલ રોડ જોડતા ૫ કિમીના ધોરી માર્ગનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાડા ત્રણ વર્ષથી અટકેલું કામ અંતે પૂર્ણ થતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રસ્તાથી લોકો કાલાવડ રોડથી હવે સીધા ગોંડલ નેશનલ હાઈવે પર જઈ શકશે.
તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ કાલાવડ રોડથી ગોંડલ રોડ વચ્ચેના ૧૧.૨ કિલોમીટરના રસ્તા પૈકી પાળ સુધીના ૫ કિલોમીટરના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પૈકી ૩ કિલોમીટરનો રસ્તો હવે મનપાની હદમાં છે. આ રસ્તા પર આવતા બ્રિજનું તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૧ના ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરાયું હતું. પરંતુ, પાળ ચોકડીથી ગોંડલ હાઈવે સુધીના ૬.૨ કિલોમીટરના રસ્તાનું કામ જમીન સંપાદન તથા આ બે ઓવરબ્રિજના કામને પગલે સાડા ત્રણ વર્ષથી અટક્યું હતું જે રૂડાએ અંતે પૂર્ણ કર્યું છે. કૂલ ૧૧,૨૦૦ મીટર લંબાઈનો આ રોડ રૂડાના આયોજન મુજબ ૪૫ મીટરનો એટલે કે ૧૪૮ ફૂટ પહોળો છે પરંતુ, હાલ તેને ૧૦.૫ મીટર એટલે કે ૩૪ ફૂટનો દ્વિમાર્ગીય બનાવાયો છે. આ રોડને પહોળો કરવા ચાલુ વર્ષ બજેટમાં જોગવાઇ કરાઈ છે. જે માટે ત્રણ ઓવર બ્રિજના રૂપિયા ૧૩ કરોડ સહિત રૂપિયા ૨૫.૮૨ કરોડનો ખર્ચ થયાનું રૂડાના સી.ઈ.ઓ.ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું.

Previous articleસ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે
Next articleશહેર-જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે હરહર મહાદેવનો નાદ ગુંજયો