દેવાધિદેવ મહાદેવની ભક્તિ-ઉપાસના નો અનોખો માસ એટલે શ્રાવણ માસ આ શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો, એક માસ સુધી ચોમેર ધર્મ-આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે શ્રાવણ માસનાં પ્રારંભ સાથે શ્રધ્ધાળુઓ માં ભારે ખુશી જોવા મળી રહી છે.દર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસનાં આગમન સાથે ભાવેણું જાણે શિવ મય બની જાય છે હજારો શિવભક્તો ભોળા ભાવે ભગવાન ભોળાનાથ ને ભજી પોતાની જાતને ધન્ય કરે છે આજરોજ પવિત્ર શ્રાવણ માસ ના આરંભ સાથે શહેર-જિલ્લામાં આવેલ નામી અનામી શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,
શહેરમાં આવેલા સુભાષનગર ખાતે ભગવાનેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોને સુંદર રોશનીથી ઝળહળતા, શણગાર કરવામાં આવ્યાં હતાં, ગત વર્ષે કોરોના મહામારીનો ભારે પ્રભાવ ચોમેર ફેલાયેલો હતો આથી શ્રાવણમાસ ની ઉજવણી ફિક્કી બની હતી પરંતુ આ વર્ષે શહેર-જિલ્લો કોરોનાની અસરથી સંપૂર્ણ પણે મુક્ત હોય લોકો માં પણ અનેરી આસ્થા જોવા મળી રહી છે,ભાવનગર જિલ્લામાં આવેલ પ્રખ્યાત શિવાલયો જેમાં તળાજા તાલુકામાં આવેલ સાગરતટે બિરાજમાન ગોપનાથ મહાદેવ, સિહોર ડુંગર માળમા બિરાજતા ગૌતમેશ્ર્વર મહાદેવ શહેરમાં આવેલ જશોનાથ મહાદેવ, ભીડભંજન નારેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં આ શ્રાવણ માસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્રણ પ્રહરની મહાપૂજા સવાલાખ બિલીપત્રનો અભિષેક અખંડ શિવપંચાક્ષર જાપ મહામંત્ર ના અખંડજાપ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ ઘોઘા તાલુકામાં આવેલ કોળીયાક ગામનાં સમુદ્રમાં પાંડવો એ સ્થાપિત કરેલ નિષ્કલંક મહાદેવ ના સાનિધ્યમાં આખો શ્રાવણમાસ ભાવિક ભક્તો નો અવિરત પ્રવાહ શરૂ રહેશે તો આ બાબતને લઈને જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા પણ તકેદારી તથા લોક ઘસારાને પહોંચી વળવા વ્યવસ્થા ના આગવા પગલાં ઓ લેવામાં આવ્યા છે.