વોટબેંક સાચવવા માટે તમામ રાજકીય પક્ષો સંસદમાં એક થઈ ગયા : હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે, પેગાસસના મામલે રોજ હોબાળો મચાવનારા વિપક્ષો આ મુદ્દે સરકારના પક્ષે બેસી ગયા
નવી દિલ્હી, તા.૯
સંસદનું ચોમાસુ સત્ર હવે સમાપ્ત થવાને આરે છે, પરંતુ તેની શરૂઆતથી જ ગૃહની કાર્યવાહીમાં દરરોજ હંગામો મચાવીને કોઈપણ ભોગે સંસદને ન ચાલવા દેવાના વિપક્ષના વર્તનમાં આજે અચાનક ચમત્કારિક ફેરફાર જોવા મળ્યો અને કેમ ન હોય આખરે વાત જ એવી છે જેમાં દરેક પક્ષ હાથ નીચા કરી દે. આજે સંસદમાં જ્યારે ઓબીસી બિલ રજૂ કરવામાં આવ્યું તો વિપક્ષના તમામ પક્ષો પણ ઓબીસી અનામત બિલ પર સરકારના સૂરમાં સૂર પૂરાવવા લાગ્યા હતા. જો કે, વિપક્ષના આ પગલાની પહેલાથી જ આશા હતી કારણ કે વિપક્ષ ઇચ્છતો નહોતો કે આ બિલ તેના હંગામાને કારણે રજૂ ન થાય. કારણ આ બિલની સીધી અસર વોટબેંક પર પડી શકે છે. હવે આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ થયા બાદ કહ્યું કે ગૃહનો એક જવાબદાર પક્ષ હોવાને કારણે અમે અમારી જવાબદારી જાણીએ છીએ. આ માટે તમામ વિપક્ષી પાર્ટીઓએ નક્કી કર્યું છે કે અમે અનામત સંબંધિત ૧૨૭ મા બંધારણીય સુધારા બિલને ટેકો આપીએ છીએ. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ બહુમતીના બાહુબલી છે, તેમણે અમારી વાત સાંભળી નહીં. અમે સરકારને રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી હતી. આજે ભારતમાં સરકાર આંદોલન અને પછાત વર્ગના ગુસ્સાના ભયમાં સરકાર સમય પસાર કરી રહી છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં ઓબીસી અનામત સંબંધિત મહત્વનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થયા બાદ હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે. ૧૨૭ મા બંધારણીય સુધારા બિલ દ્વારા રાજ્યોને તેમના અનુસાર ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર હશે. તેમજ, કોંગ્રેસ સહિત ૧૫ મોટા વિરોધ પક્ષોએ આ બિલ રજૂ કરતા પહેલા આ બાબતે ચર્ચા બેઠક કરી હતી. આજે યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) ને લગતા સુધારાઓ બિલને પાસ કરવામાં વિપક્ષ સંપૂર્ણ ટેકો આપશે. બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે બધા આ સુધારા બિલને ટેકો આપીશું.ખડગેએ કહ્યું કે અન્ય મુદ્દાઓ તેમની જગ્યા ધરાવે છે, પરંતુ આ મુદ્દો દેશના હિતમાં છે કારણ કે દેશની અડધીથી વધુ વસ્તી સાથે સંબંધિત છે આ બિ. અમે તેને સંપૂર્ણ સમર્થન આપીશું. કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સંવિધાન સંશોધન બિલ રજુ કર્યું. જેના દ્વારા રાજ્ય સરકારોને પોતાનું ઓબીસી લિસ્ટ બનાવવાનો હક મળશે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. વિરેન્દ્ર કુમારે ૧૨૭મું સંવિધાન સંશોધન બિલ રજુ કર્યું. ૧૨૭માં સંવિધાન સંશોધન બિલ પર કોંગ્રેસ સહિત ૧૫ વિપક્ષી દળોએ સમર્થન કર્યું. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે ઓબીસી સૂચિમાં નામ જોડવાનો અધિકાર રાજ્યોને આપવનારા બિલનું તમામ વિપક્ષી દળ સમર્થન કરશે. આ ૧૨૭મું સંવિધાન સંશોધન બિલ છે. જેને આર્ટિકલ ૩૪૨એ(૩) હેઠળ લાગુ કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારોને એ અધિકાર મળશે કે તેઓ પોતાની રીતે ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકે. સંશોધન બિલ પાસ થયા બાદ રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડશે નહીં. વાત જાણે એમ છે કે ૫મી મેના રોજ મરાઠા અનામત મામલે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓબીસીની યાદી તૈયાર કરવાનો હક ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ છે. અનામત જેા સંવેદનશીલ મુદ્દામાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આથી તે સમયે કેન્દ્ર સરકારે તેના પર આપત્તિ જતાવી હતી. આથી સંવિધાન સંશોધન બિલ લાવીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે. આ બિલ કાયદા બનશે ત્યારબાદ રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો હક મળી જશે. આ બિલ કાયદામાં ફેરવાઈ જવાનો એ રાજ્યોમાં પ્રભાવશાળી જાતિઓને ફાયદો થશે જ્યાં ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગણી સતત થઈ રહી છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે.