ગુજરાતના શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

200

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત : શિવજીના પ્રિય તેવા માસમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક તેમજ બિલિપત્ર અર્પણ કરવામાં આવી રહ્યા છે
સોમનાથ,તા.૯
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની શરૂઆતમાં જ લોકોની શિવાલયોમાં ભારે ભીડ જામી છે. આજથી શિવમંદિરો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્‌યા છે. શિવજીના પ્રિય તેવા માસમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને બિલિપત્ર અર્પણ કરવામાં આવી રહ્યા છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, ગત વર્ષે કોરોના મહામારીના લીધે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી હતી. પરંતુ આ વખતે કોરોનાના કેસ ઘટતા ભાવિક ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે. કોરોનાની ગાઈડલાઇન સાથે ભક્તો શિવના મનોહર રૂપના દર્શન કરી શકે તે રીતની વ્યવસ્થા શિવ મંદિરોમાં કરવામાં આવી છે. શ્રાવણ માસ માં તમામ શિવાલયો માં લઘુરૂદ્ર સહિતની અનેક વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના ના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં શ્રાવણ માસ દરમ્યાન દર્શન માટેની લાંબી લાઇનમાં ઉભા રહેલા ભાવિકો વરસાદમાં પલળે નહીં કે તડકો ન લાગે તે માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો શ્રુંગાર કરવામાં આવશે.
શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ સોમનાથ આવી પહોંચ્યા હતા. તેમણે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Previous articleસાવરકુંડલા પાસે બેકાબૂ ટ્રક ઝૂપડાં પર ફરી વળતા ૯નાં મોત
Next articleપુરીમાં ટોક્યો ઓલિમ્પિકમાં બરછી ફેંકનાર નીરજ ચોપરાની અંતિમ રાઉન્ડ પહેલા રેતીના કલાકાર માનસ સાહુએ રેતીનું શિલ્પ બનાવ્યું.