બુમરાહે વાપસી કરી સવાલ પર કેએલ રાહુલ ભડક્યો, મને ખબર નથી તમે કેમ કહી રહ્યા છો

443

નોટિંગહામ,તા.૯
ઈંગ્લેન્ડ પર વિજય મેળવવાની નજીક આવીને ટીમ ઇન્ડીયા સફળતા મેળવવાથી ચુકી ગઇ છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને વિજયની તક મળી હતી, જેને વરસાદે છીનવી લીધી હતી. મેચના પાંચમા અને અંતિમ દિવસે વરસાદને કારણે રમત રદ કરવી પડી હતી. આમ પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આમ છતાં, આ ટેસ્ટ પ્રદર્શન માટે ભારત માટે સારુ રહ્યુ હતુ. જેમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પ્રભાવિત રહ્યો હતો અને ટીમને રાહત આપી હતી. વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નિષ્ફળતા બાદ, બુમરાહના પ્રદર્શનને લઇ દરેક લોકો કહી રહ્યા છે કે, આ ફાસ્ટ બોલરે વાપસી કરી છે. પરંતુ ટીમના બેટ્‌સમેન કેએલ રાહુલ આવા નિવેદનોથી સહમત નથી. બુમરાહે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ૪ વિકેટ લીધી હતી, જ્યારે બીજા દાવમાં વધુ સારું પ્રદર્શન કરતા ૫ વિકેટ લીધી હતી. ૯ વિકેટ સાથે તે મેચમાં ભારતનો સૌથી સફળ બોલર સાબિત થયો. જો કે, દોઢ મહિના પહેલા સાઉથમ્પ્ટનમાં રમાયેલી આઈસીસી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બુમરાહ સહેજે અસરકારક રહ્યો નહોતો. તે બંને ઇનિંગ્સમાં એક પણ વિકેટ પણ લઈ શક્યો ન હતો. ટીમ ઇન્ડિયાની હારમાં આ પણ એક કારણ મનાતુ હતુ. પરંતુ હવે બુમરાહે વાપસી કરી છે. જો કે, ભારતીય ટીમ આવા કોઈપણ નિવેદન સાથે સહમત નથી. મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું, બુમરાહ ફોર્મમાં પરત ફર્યા બાદ તે કેવો અનુભવ કરી રહ્યો હતો. ત્યારે કેએલ રાહુલે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેણે કહ્યું, મને ખબર નથી કે, તમે કેમ કહી રહ્યા છો કે બુમરાહે વાપસી કરી છે. તેણે દરેક સમયે, દરેક મેચમાં, દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સાબિત કરી છે. તે અમારો નંબર વન બોલર છે. અમે ખુશ છીએ કે તે પ્રથમ ટેસ્ટ થી જે કરી રહ્યો છે તે અત્યારે પણ કરી રહ્યો છે.

Previous articleબીસીસીઆઈએ કોરોનાના કારણે લીધો નિર્ણય, ૪૬ પાનાની હેલ્થ એડવાઈઝરી જાહેર કરી
Next article૪૦ ઓવરની રમત રમાઈ હોત, તો મેચનું પરિણામ કઈ અલગ હોતઃ રૂટ