નોટિંગહામ,તા.૯
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં ૫ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં ૫મા એટલે કે છેલ્લા દિવસે વરસાદને કારણે એક પણ બોલની રમત નહોતી રમાઈ. જેના કારણે આ મેચ ડ્રો થઈ. જોકે, ટીમ ઇન્ડિયા પાસે આ મેચ જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવવાની તક હતી. કારણ કે તેને જીતવા માટે માત્ર ૧૫૭ રન બનાવવાના હતા, જ્યારે તેની પાસે ૯ વિકેટ બચી હતી. પરંતુ ટીમ ઇન્ડિયા અને તેની જીત વચ્ચે વરસાદ નડ્યો હતો. આ મેચ ડ્રો થવાને કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી પોઈન્ટ સિસ્ટમ મુજબ મેચ ડ્રો થતાં બંને ટીમોને ૪-૪ પોઈન્ટ મળ્યા હતા. આ પાસાને જોતાં ભારતને નુકસાન થયું છે. કારણ કે તેની પાસે મેચ જીતીને પૂરા ૧૨ પોઇન્ટ લેવાની તક હતી. મહત્વનું છે કે, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝનની શરૂઆત થઇ ચુકી છે. જોકે, આ વખતે પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે દરેક મેચનું પરિણામ ખુબ જ મહત્વનું છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સાઇકલમાં સૌથી વધુ પોઈન્ટ મેળવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જોકે, જૂનમાં યોજાયેલી ફાઇનલ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ વખતે પણ ટીમ ઈન્ડિયા જીતનો એ જ સિલસિલો જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાને ઉતરી હતી. પરંતુ પહેલી જ મેચમાં ભારતને ડ્રો મેચનો સામનો કરવો પડ્યો છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની બીજા સાઇકલ માટે પોઇન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બીજી સીઝનમાં એક મેચ જીતવાથી ૧૨ પોઇન્ટ મળશે. મેચ ટાઇ થવાથી બંને ટીમોને ૬-૬ પોઇન્ટ, જ્યારે મેચ ડ્રો થવા પર બંને ટીમને ૪-૪ પોઇન્ટ મળશે. ટીમોએ મેચ રમીને જે અંક મેળવ્યા હશે, ટીમોના ટકાવારી પોઇન્ટના આધારે ટીમની રેન્કિંગ નક્કી કરવામાં આવશે. આ વખતે જીતનાર ટીમ પાસે ૧૦૦ ટકા જીતના ટકાવારી પોઈન્ટ હશે. જોકે, ટીમ ટાઇ કરનારી ટીમ માત્ર ૫૦ ટકા અંક જ મેળવી શકશે. આ ઉપરાંત ટેસ્ટ ડ્રોના થવા પર બંને ટીમોને સરખા ૩૩.૩૩ ટકા અંક મળશે. પ્રથમ સિઝનમાં દરેક સિરીઝના સરખા ૧૨૦ પોઇન્ટ હતા, પછી ભલે તે બે ટેસ્ટની સિરીઝ હોય કે પાંચની. પરંતુ આ વખતે દરેક ટેસ્ટના સરખા પોઈન્ટ હશે. એટલે કે, બે ટેસ્ટ સિરીઝમાં ૨૪ પોઈન્ટ અને પાંચ ટેસ્ટની સિરીઝમાં ૬૦ પોઈન્ટ હશે
Home Entertainment Sports ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, બંને ટીમોને...