સુરેન્દ્રનગર,તા.૯
ગુજરાતીમાં એક કહેવત છે ‘પાપ ગમે ત્યારે છાપરે ચડીને પોકારે’ આ કહેવતને સાર્થક કરતી ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. જેમાં જિલ્લા ર્જીંય્ પોલીસે આજથી ૨૫ વર્ષ પહેલા થયેલી ચોરીને ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કુડલા ગામે આજથી ૨૫ વર્ષ પહેલા ૧૭ ઓક્ટોબર, ૧૯૯૫ના રોજ નાગરભાઇ સુબાભાઇ ઘરે રાતના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિત રૂપિયા ૧.૫૭ લાખનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બાબતે ચૂડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જો કે ચુડા પોલીસને તપાસ દરમિયાન કોઇ કડી મળી ન હતી અને આ ચોરીના કેસની તપાસ અભરેઇએ ચડાવી દેવામાં આવી હતી. જે બાદ સુરેન્દ્રનગર SOG પોલીસ શહેરમાં રૂટીન ચેકિંગ કરી રહી હતી, ત્યારે શહેરના રતનપર વિસ્તારમાં એક શખ્સને શંકાસ્પદ હિલચાલને જોઈને પોલીસે તેની પૂછપરછ કરતા, તેણે પોતાની ઓળખ મનુભાઇ માવજીભાઇ જીલીયા અને હાલ બોટાદ રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં પહેલા ગલ્લાતલ્લા કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી મનુભાઇ ભાગી પડયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે આજથી પંચીસ વર્ષ પહેલા ચુડા તાલુકા કુડલા ગામે એક ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ઘર નજીક લીંબડાના ઝાડ નીચે આ મુદ્દામાલ પ્લાસ્ટિકની કોથળીમાં દાટી દીધો હતો અને પછી તે બોટાદ રહેવા જતો રહ્યો હતો. આરોપીની કબૂલાતના આધારે પોલીસે તેને સાથે રાખીને કુડલા ગામે લીંબડાના ઝાડ નીચે ખોદકામ કરાવતા સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા ૧.૫૭ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.