જેઇઇ મેઇન પરીક્ષાનું પરીણામ જાહેરઃ ૧૭ વિદ્યાર્થીએ ૧૦૦ ટકા મેળવ્યા

408

ન્યુ દિલ્હી,તા.૯
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ત્રીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયુ છે અને જેમાં દેશના ૧૭ વિદ્યાર્થીએ પુરા ૧૦૦ ટકા મેળવ્યા છે. જેમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. અમદાવાદના ૧૦થી વધુ વિદ્યાર્થીને વિવિધ વિષયમાં પુરા ૧૦૦ માર્કસ છે. ધો.૧૨ સાયન્સ બાદ ઈજનેરીમાં પ્રવેશ માટે આ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં ચાર વખત જેઈઈ મેઈન લેવાનું જાહેર કરાયા બાદ અગાઉ બે જેઈઈ મેઈન પરીક્ષા લેવાયા બાદ કોરોનાને લીધે બાકીને બે મોકુફ રહી હતી. એનટીએ દ્વારા ૨૦,૨૨ અને ૨૫ અને ૨૭મી જુલાઈએ ત્રીજા તબક્કાની મેઈન લેવાઈ હતી. જેમાં નોંધાયેલા ૭.૦૯ લાખ વિદ્યાર્થીમાંથી ૮૦ ટકાથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.ગુજરાતમાંથી પણ ૮૦ ટકાથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે.જાહેર કરાયેલા સ્કોર-પરિણામ મુજબ ૧૭ વિદ્યાર્થીએ પુરો ૧૦૦ સ્કોર મેળવ્યો છે અને જેમાં આંધપ્રદેશન તેમજ તેલંગાણાના ચાર-ચાર વિદ્યાર્થી છે. જ્યારે ગુજરાતનો એક પણ વિદ્યાર્થી પુરા ૧૦૦ સ્કોરિંગમાં નથી પરંતુ અમદાવાદના પાર્થ પટેલે ૯૯.૯૯૭૪ સ્કોર સાથે સ્ટેટ ટોપર બન્યો હતો. અમદાવાદના ૧૦થી વધુ વિદ્યાર્થીએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સહિતના વિવિધ વિષયોમાં ૧૦૦-૧૦૦ માર્કસ મેળવ્યા છે.
યુવકોના ટોપર્સ લિસ્ટમાં ૧૦ અને યુવતીઓના ટોપર્સ લિસ્ટમાં ૧૬ વિદ્યાર્થી છે. ત્રીજી પરીક્ષા બાદ હવે ઓગસ્ટના અંતમાં ચોથી વારની પરીક્ષા થશે અને ત્યારબાદ એનટીએ દ્વારા ચારેય પરીક્ષાના સ્કોરિંગના આધારે ફાઈનલ મેરિટ રેન્ક જાહેર થશે. જેનાથી કોલેજોમાં પ્રવેશ થશે.

Previous articleઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયે મંજૂરી મળે તેવી શક્યતા
Next articleભારતે ચીન સરહદે ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનો તૈનાત કર્યા