રાજકોટમાં કોંગ્રેસે સામાજિક ક્રાંતિ અભિયાન અંતરર્ગત વિરોધ પ્રદર્શન કર્યું

586

રાજકોટ,તા.૯
રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સોમવારે ડો. યાજ્ઞિક રોડ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના અધ્યક્ષ સ્થાને સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેનર સાથે રસ્તા પર ઉતરી આવી ઢોલ વગાડી રેલી યોજી હતી. જેમાં સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવતા જ પોલીસે અટકાયતની કાર્યવાહી કરી હતી. જોકે અટકાયત કરતી વખતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઝપાઝપી કરી હતી. આ સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પડતા પડતા રહી ગયા હતા. પોલીસે ૨૦થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અશોક ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં લોકોની આઝાદી ખતમ થઈ ગઈ છે. લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. જે રીતે આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીન એમનો અધિકાર છે. જેના માટે કોંગ્રેસની સરકારે અનેક કાયદાઓથી એમને રક્ષણો આપ્યા એ તમામ અધિકારો, રક્ષણો છીનવવાનું કામ થઈ રહ્યું છે. પોતાના માનીતા માટે જંગલની જમીન આદિવાસી વિસ્તારની જમીન હડપ કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારોમાં ખાણ-ખનીજ-પાણીના નિયંત્રણ અને ઉપભોગ ગ્રામસભા મારફત થતા નથી. આદિવાસી સમાજના શિક્ષણ, નોકરી, બઢતીના અધિકારો ભાજપ સરકારે છીનવી લીધા છે. તેમજ ઘરવિહોણા પરિવારો માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટનો અમલ બંધ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં ‘પેસા’ કાયદાના અમલમાં ધાંધિયા એ જ રીતે આદિવાસી સમાજની સાથે સાથે દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લઘુમતી સમાજ આ તમામ ગરીબ, મધ્યમવર્ગ, સામાન્ય વર્ગના લોકોના પોતાના સંવિધાનિક હકો છીનવાઈ રહ્યાં છે ત્યારે તમામ સમાજના લોકો એક થઈ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે અને ક્રાંતિની શરૂઆત કરે તે સાથે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજી તમામ સમાજના લોકોને જાગૃત કરવા આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Previous articleરાજકોટમાં તબીબોએ કોરોના વોરિયર્સ સન્માનપત્રને શ્રદ્ધાંજલિ આપી વિરોધ કર્યો
Next articleજામનગરમાં સરકારના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોમાં ધક્કામુકીઃ ધારાસભ્ય ઘાયલ