અમદાવાદ,તા.૯
કોરોના મહામારી વચ્ચે ગત શૈક્ષણિક સત્રમાં સી.એ. ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષાઓ મોકૂફ રહેવાની સાથે જ તેના શિડયુલ બદલાયા હતા. દેશભરમાં હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ મોકૂફ રહેતા લાંબો સમય સુધી રાહ જોવાની નોબત આવી હતી. જે અંતર્ગત આ વર્ષે પણ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા નવેમ્બરની જગ્યાએ હવે ડિસેમ્બરમાં લેવાનો નિર્ણય કરાયો છે. તે માટે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવા ૧૬ ઓગસ્ટ સુધીની મુદત અપાઇ છે. ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફાઉન્ડેશન પરીક્ષા સંદર્ભે નોટીફિકેશન જાહેર કરાયું છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, ડિસેમ્બર-૨૦૨૧માં લેવાનારી ફાઉન્ડેશન પરીક્ષામાં રજિસ્ટ્રેશન માટેની મર્યાદામાં વધારો કરાયો છે. કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ ડિસેમ્બર-૨૦૨૧માં લેવાનારી પરીક્ષા માટે ૧૬ ઓગસ્ટ કે તે પહેલા રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ વિદ્યાર્થીઓએ તેઓની ધો. ૧૨ના પરિણામની માર્કશીટ ઇન્સ્ટિટયૂટના પરીક્ષા વિભાગને ૧૦ સપ્ટેમ્બર પહેલા મોકલવાની રહેશે. આ તમામ છૂટછાટો એકવાર પૂરતી મર્યાદિત રહેશે. સુરતના સી.એ. તજજ્ઞોએ જણાવ્યું હતું કે, નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. તે માટે રજિસ્ટ્રેશનની મર્યાદામાં દોઢ મહિનાની છૂટછાટ સાથે ૧૬ ઓગસ્ટની મુદત અપાઇ છે. જોકે, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષા નિર્ધારિત શિડયુલ પ્રમાણે નવેમ્બરમાં જ લેવાશે.