ન્યુ દિલ્હી,તા.૯
ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યુ કે ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ૫ સપ્ટેમ્બરે કિસાન મહાપંચાયતમાં આરપારની રણનીતિ તૈયાર થશે. ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ દોહરાવતા કહ્યુ કે આ કૃષિ કાયદા મજૂર અને સામાન્ય લોકોના વિરોધી છે. ટિકેતે કહ્યુ કે ખેડૂતોને બરબાદ કરવા માટે આ કૃષિ કાયદા દેશના ખેડૂતો પર થોપી દેવામાં આવ્યા છે, જેનાથી ખેડૂત પહેલા દેવામાં ડૂબશે, પછી ધીમે ધીમે ખેડૂતો પાસે તેમની જમીન હડપવાનું કામ કરશે. દેશના લોકો ખેડૂત આંદોલન સાથે નહી વૈચારિક ક્રાંતિ સાથે જોડાયેલા રહ્યા છે. રાકેશ ટિકેતે ખેડૂતોને ૫ સપ્ટેમ્બરે મુજફ્ફરનગરમાં યોજાનારી મહાપંચાયતમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી છે, તેમણે કહ્યુ કે સરકાર માત્ર પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતોનું આંદોલન બતાવી રહી છે પરંતુ તેમાં ૫૫૦થી વધારે ખેડૂત સંગઠન જોડાયેલા છે, તેમણે કહ્યુ કે સરકાર આ ભૂલ છોડી દે કે ખેડૂતો થાકીને ઘરે પરત જતા રહેશે. મહત્વપૂર્ણ છે કે રવિવારે ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)એ જેવરના સબૌતા અંડરપાસ પાસે એક ખેડૂત મહાપંચાયત કરી હતી. આ મહાપંચાયતમાં જેવર સિવાય બુલંદ શહેર, અલીગઢ, મથુરા સહિત કેટલાક જિલ્લાના લોકો પણ પહોચ્યા હતા. જ્યારે આ દરમિયાન તેમણે ખેડૂતોને મુજફ્ફરનગરમાં ૫ સપ્ટેમ્બરે યોજાનારી મહાપંચાયતમાં ભાગ લેવાની અપીલ કરી છે, જેથી પુરો દમ બતાવીને સરકાર પર દબાણ વધારી શકાય.