ઘોઘા સરતળાવથી જૂની જેટી રોડ અને ઘોઘાથી નવા રતનપોર રોડનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું

279

મંત્રી પુરુષોત્તમ સોલંકીના હસ્તે બંને રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું : બંન્ને રોડ રૂા. ૧૬૫ લાખના ખર્ચે બનશે
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આજે મત્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ઘોઘા સરતળાવ થી જૂની જેટી રોડ અને ઘોઘા થી નવા રતનપર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ખાતમુહૂર્ત અવસરે મંત્રીએ જણાવ્યું કે, ૧૦ વર્ષ પહેલાં આ વિસ્તાર ઘણો પછાત ગણાતો હતો. તેની જગ્યાએ આજે ઘોઘા રો-રો ફેરી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડો ઘોઘામાં શરૂ થઇ છે.

ઘોઘામાં રાજ્ય સરકારની સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના હેઠળ ઘોઘા અને કૂડામાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય બનવાનાં છે. તેમણે જણાવ્યું કે, ઘોઘામાં આ સિવાય ધો-૧૨ સાયન્સની શાળા પણ શરૂ થવાં જઇ રહી છે. આ અગાઉ અહીંયા આઇ.ટી.આઇ. પણ શરૂ કરવામાં આવી છે. ઘોઘામાં રૂા.૪૦ લાખના ખર્ચે પીવાના પાણીની પણ સગવડ ઉભી કરવામાં આવી રહી છે. આમ, ઘોઘામાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ક્ષિતિજો કંડારી રહ્યું છે. એક સમયે ઘરની બહાર ન નિકળતી મહિલાઓ આજે આગળ આવી રહી છે. ખાસ કરીને શિક્ષણમાં પણ આગળ આવી રહી છે તેનો આનંદ છે.મંત્રીએ કહ્યું કે, તેમના મંત્રીકાળના ૨૩ વર્ષના શાસનમાં અનેક લોકોપયોગી કાર્યો લોકોના સાથ અને સહકારથી કર્યા છે. આગળ પણ આ રીતે લોકોના સહકારથી લોકોપયોગી કાર્યો થતાં રહે તે માટેની તેમણે અભિલાષા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે લોકાર્પિત થયેલ ઘોઘા સરતળાવ થી જૂની જેટીનો ૧.૭૦ કિ.મી. નો રોડ રૂા.૫૦ લાખના ખર્ચે અને અને ઘોઘા થી નવા રતનપર રોડનો ૨.૬૦ કિ.મી નો રોડ રૂા.૧૧૫ લાખના ખર્ચે તૈયાર થશે. આમ, બંને રોડ મળી રૂા. ૧૬૫ લાખનો ખર્ચે તેને તૈયાર કરવાં માટે થશે.આ અવસરે જિલ્લા ભાજપ મહામંત્રી દિગ્વીજયસિંહ ગોહિલ, મંત્રી ભૂપતસિંહ બારૈયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતાં. તાલુકા વિકાસ અધિકારી સોનાગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ઘોઘા મામલતદાર એ.આર. ગઢવી, ઘોઘા ગામના સરપંચ અન્સારભાઇ, તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous article૨૦૧૯માં લેવાયેલ જીપીએસસીની પરીક્ષા અંગે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Next articleશ્રાવણ માસના નિમિત્તે સાળંગપુરના હનુમાનજીદાદાને શાકભાજીનો શણગાર