દુકાનદારો દ્વારા મેન્ટેનન્સ નહીં અપાતા પાંચ દિવસથી સફાઇ કામ બંધ થતાં કચરા-ગંદકીના થર જામ્યા
ભાવનગર શહેરના હાર્દ સમા ઘોઘા ગેટ ચોક વિસ્તારમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠેર-ઠેર કચરા, પાણી અને ગંદકીના ઢગલા જામ્યા છે. હાલની કોરોના મહામારી વચ્ચે કચરા અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાનો ભય દુકાનદારો અને વેપારીઓ અને ગ્રાહકોને સતાવી રહ્યો છે. દોઢ વર્ષ પૂર્વે પણ સફાઇના અભાવે શહેરના અન્ય કોમ્પલેક્ષની સાથોસાથ મહાપાલિકા દ્વારા બિઝનેસ સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. ત્યારે વેપારીઓએ સ્વચ્છતા જાળવવાની ખાતરી આપતા સીલ ખોલાયા હતા. બાદ ફરીથી બિઝનેસ સેન્ટરમાં કચરા અને ગંદકીના થર સાથે અસ્વચ્છતા ફેલાવા પામી છે.
બિઝનેસ સેન્ટરની લોબી અને રસ્તા પર કચરા અને ગંદકીના થર જોવા મળી રહ્યા છે. ઘણા દિવસોથી નિયમીત સફાઇ થતી નથી આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું છે કે બિઝનેસ સેન્ટરમાં સફાઇ કામ કરતી ચાર જેટલી બહેનોને વહિવટ કર્તાઓ દ્વારા પગાર ચુકવવાની ના પાડતા અથવા તો એમ કહી શકાય કે આ બહેનોને છુટા કરી દેવાતા બિઝનેસ સેન્ટરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સફાઇ કામગીરી થતી નથી. ફક્ત દુકાનદારો અને વેપારીઓ પૈસા આપી પોતાની દુકાનોમાં સફાઇકામ કરાવે છે જેથી બહારની લોબી અને રસ્તા વચ્ચે કચરાના ઢગલા અને ગંદકીનાથર જામ્યા છે. ઉપરાંત બિઝનેસ સેન્ટરમાં રખડતા ઢોર અને કુતરાનો પણ ત્રાસ છે. કુતરા પણ લોબી પર ગંદકી કરે છે અને આખો દિવસ બિઝનેસ સેન્ટરમાં પડ્યા પાથરયા રહે છે. કેટલાક દુકાનદારો દ્વારા નિયમીત રીતે મેન્ટેન્સ નહીં આપતા હોવાના કારણે ખર્ચ કરવામાં મુશ્કેલી પડતી હોવા ઉપરાંત સફાઇ કામદારો અને ચોકીદારનો પગાર કાઢવો પણ મુશ્કેલ બનતો હોવાના કારણે સફાઇ કામદારોને છુટા કરી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત લાઇટબીલ ભરવાના પણ પ્રશ્નો છે. અવાર નવાર લીફ્ટ પણ બંધ થઇ જતા વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત પીજીવીસીએલની બે થી ત્રણ ઓફીસો પણ આવેલી છે. તેથી લાઇટ બીલ ભરવા આવતા વિજ ગ્રાહકોને અને સ્ટાફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિઝનેસ સેન્ટરમાં વાહન અને પેટ્રોલની ચોરીના વધતા બનાવો
છેલ્લા ઘણા દિવસોથી બિઝનેસ સેન્ટરમાં પાર્કીંગમાં પાર્ક કરેલ બાઇક-વાહનોની ચોરી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત બાઇક-વાહનમાંથી પેટ્રોલની પણ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. બિઝનેસ સેન્ટરમાં જાગૃત ચોકીદારો, સિક્યુરીટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા ગોઠવવાની જરૂર છે. બિઝનેસ સેન્ટરમાં આવારા તત્વોનો પણ ત્રાસ છે. દારૂની મહેફીલો પણ થતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવારા તત્વો બિઝનેસ સેન્ટરમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે.