જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

247

શોપિયાં,તા.૧૦
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સીઆરપીએફ ટીમ પર આજે સવારે આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે શોપિયાં જિલ્લાના એક વિસ્તારમાં આતંકીઓએ અચાનક સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કુલગામ કિસાન મોર્ચાના પ્રમુખ અને સરપંચ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી. સોમવારે સાંજે આશરે ચાર કલાકે અનંતનાગ પોલીસને જિલ્લાના લાલચોક વિસ્તારમાં એક આતંકવાદી ઘટનાની સૂચના મળી, જ્યાં આતંકવાદીઓએ ભાજપના સરપંચ અને તેની પત્ની પર ગોળીઓ ચલાવી હતી. તો સ્વતંત્રતા દિવસ પહેલા બીએસએફે સોમવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરી મોટા આતંકી હુમલાને ટાળી દીધો. વિશેષ સૂચના પર મેંઢર પોલીસ સ્ટેશન ક્ષેત્રના સાંગડના જંગલોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઓફ પોલીસની સાથે બીએસએફ તથા સેનાએ એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન એક જગ્યાએથી બે એકે-૪૭ રાઇફલ, ચાર એકે-૪૭ મેગેઝિન, એક ચીની પિસ્તોલ, ૧૦ પિસ્તોલ મેગેઝિન, ચાર ચીની ગ્રેનેડ અને ચાર ડેટોનેટર સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂ-ગોળો મળી આવ્યો હતો. એડીજીપી મુકેશ સિંહે સોમવારે કહ્યુ કે, જે સ્થળો પર સ્વતંત્રતા દિવસ સમારોહ આયોજીત થવાનો છે, તે બધાની સુરક્ષા માટે ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ શાંતિપૂર્ણ સમારોહ નક્કી કરવા માટે વિભિન્ન ગુપ્ત જાણકારીઓ પર કામ કરી રહી છે.

Previous articleભારતમાં કોરોના કેસોમાં મોટી રાહત, ૨૪ કલાકમાં ૨૮,૨૦૪ નવા સંક્રમિત નોંધાયા
Next articleજંતર-મંતર પર મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણમાં અશ્વિની ઉપાધ્યાય સહિત ૬ની ધરપકડ