સુરતના બારડોલીમાં ૬૬ લાખથી વધુના ગાંજા સાથે ૨ની ધડપકડ

239

બારડોલી,તા.૧૦
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં આવેલ સહયોગ હોટલના પાર્કિંગ માંથી એલસીબી પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. એલસીબીની ટીમે ટેમ્પામાંથી ૬૬૧ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂ. ૬૬.૧૦ લાખ સહિત કુલ ૭૩.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ટેમ્પામાં ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો. પોલીસે આ ગુનામાં બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા છે. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં નશાયુક્ત પદાર્થોનું મોટા પ્રમાણમાં ધૂમ વેચાણ થઈ રહયું છે. જિલ્લામાં આમ તો દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે પરંતુ હવે દારૂની જગ્યાએ મોટાભાગે ગાંજાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડી ગાંજાનો જથ્થો ઝડપીપાડવામાં આવી રહયો છે. બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ને.હા-૫૩ ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં એક ટેમ્પો ચાલક ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ભરી લાવી ઊભો હતો. જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળતા તેમણે રેડ કરી હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ એક ટેમ્પા માંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે કુલ ૬૬૧ કિલોગ્રામ ગાંજો કિંમત રૂ. ૬૬.૧૦ લાખના જથ્થા સાથે ચાલક દિવાકર ક્રુષ્ણચંદ્ર બહેરા (રહે, સમાં ગામ, બારાપલ્લી સાહી, જી-ગંજામ, ઓરિસ્સા) તથા ક્લીનર સુશાન્ત બનમાલી પ્રધાન (રહે, સમાગામ, જી, ગંજામ, ઓરિસ્સા) ને ઝડપી પાડ્યા હતા. અને તેઓની પૂછતાછ કરતાં આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. અને આ ગાંજાનો જથ્થો સમાગામ ખાતે રહેતા રવિન્દ્ર બહેરા નાએ ભરાવ્યો હતો. અને માણેકપોર ગામની સીમમાં સહયોગ હોટલના પાર્કિંગમાં ટેમ્પો પાર્ક કર્યા બાદ ત્યાંથી અન્ય એક વ્યક્તિ આ ગાંજાનો જથ્થો લેવા આવનાર હોય પોલીસે આ ગુનામાં બે વ્યક્તિને વોંટેડ જાહેર કરી કુલ ૭૩.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleગુજ. હાઈકોર્ટે પત્નીના રેપના ગુનામાં પતિને થયેલી ૧૦ વર્ષની સજા રદ કરી
Next articleતમામ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે, જે પણ રમતમાં ભાગ લીધો તેમાં તેમણે પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોઃ અનુરાગ ઠાકુર