ગુજરાતની ૩૬ નદીઓને ૩૦૦ કરોડના ખર્ચે રિચાર્જ કરાશે 

1020
gndhi21418-2.jpg

રાજ્ય સરકાર દ્વારા નદી-કોતરના ઉપરવાસમાં કૃત્રિમ પદ્ધતિથી ભૂગર્ભ જળ રિચાર્જ કરી અને બારેમાસ નદીના વહેણ વહેતા રાખવા ૩૧ જિલ્લાની ૩૬ નદી-કોતરને પુનઃજીવિત કરવાનું નક્કી કરાયું છે. દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી એક નદી આવે તેવો પ્રયાસ કરાયો છે. આ માટે રૂ. ૩૦૦ કરોડના બજેટથી ૧ મેથી ૧૫ જૂન કામગીરી કરાશે. કાંઠા વિસ્તારમાં જળસંચય થાય તેટલા માટે ૫૦ લાખ વૃક્ષો રોપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નદીઓને પુનઃજીવિત કરવા માટેનો નિર્ણય લેવાયો છે.
૩૧ જિલ્લામાં ૧લી મેથી ૧૫ જૂન સુધી કામગીરી હાથ ધરાશે
આ કામગીરી કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા હાથ ધરાશે અને તેનું સીધું નિરીક્ષણ, જવાબદારી ગ્રામ વિકાસ કચેરીના કમિશનર મોના ખંધારની રહેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નદી બારેમાસ વહે તેવા પ્રયાસના ભાગરૂપે તેને પુનઃજીવિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે સઘન ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો જેવા કે નાળા બંડિગ, ચેકવોલ, ગેબિયન સ્ટ્રક્ચર, ગલી પ્લગ, જળ સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જની કામગીરીઓ થશે. જેથી કરીને નદીનું પાણી જલદી વહી ન જાય અને નદી બારેમાસ વહેતી રહે અને આસપાસના વિસ્તારમાં ભેજસંગ્રહ થાય તેટલા માટે નદી કિનારે ૫૦ લાખ વૃક્ષો રોપાશે.
અમદાવાદ જિલ્લામાં રોધા(ભોગવો નદી), અમરેલીમાં ઠેબી(શેત્રુંજી), આણંદ ભગાનો ધેરો કોતર(મહી નદી), અરવલ્લી ચારિયા ( વાંકડ નદી), બનાસકાંઠામાં ધામણી, ભરૂચ ટોકરી કોતર, ભાવનગરમાં ધરવાલી(રંગોલી), છોટાઉદેપુરમાં ઓલી આંબા કોતર (ઓરસંગ નદી), ડાંગ ઝરણિયા અને માયદેવીનું કોતર (પૂર્ણા નદી), દેવભૂમિ દ્વારકામાં વીંગડી અને ધૂના, દાહોદમાં વાંકડી, ગાંધીનગર ખારી(મેશ્વો નદી), ગીર સોમનાથમાં સમરપત (હિરણ નદી), જામનગર ભીલશ્વરી, કચ્છ ખરોડ, ખેડા વાત્રક અને મેશ્વો, મહેસાણા ધામણી, મહિસાગર ઝરમર(શેઢી નદી), મોરબી ફૂલકી, નર્મદા કૂકડા કોતર(કરજણ નદી), નવસારી કાવેરી, પંચમહાલમાં સુખી, પાટણમાં રૂપેણ, પોરબંદરમાં વલવાદર(કાલન્દી નદી), રાજકોટમાં કોલપરી, સાબરકાંઠામાં માંગોલવડી (સાબરમતી નદી), સુરતમાં વેર, સુરેન્દ્રનગરમાં ગઢવી(સુખભાદર નદી), નફારત(ભોગવો નદી), તાપી ઝાંકરી, મિંઢોલા, વલસાડમાં ખોરિચી માલી (તન નદી), બોટાદમાં પરમેશ્વરયું નદીનો  સમાવેશ થાય છે. 
વર્જન- રૂ. ૩૦૦ કરોડના ખર્ચે, ૩૧ જિલ્લાની ૩૬ નદી-કોતરને પુનઃજીવિત કરાશે : મોના ખંધાર, કમિશનર, ગ્રામ વિકાસ એજન્સી  રાજ્યના  ૩૧ જિલ્લાની ૩૬ નદી-કોતરને પુનઃજીવિત કરવાનું કામ તા. ૧ મેના આરંભાશે અને ૧૫ જૂન સુધીમાં પૂરું કરાશે. આ માટે રૂ. ૩૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને નદીઓ બારેમાસ ચાલે તે માટે તેને તેના ઉદ્દગમ સ્થાનથી જ પુનઃજીવિત કરાશે. આ માટે નદી  કાંઠે ૫૦ લાખ વૃક્ષો પણ રોપાશે.

Previous article એસ.ટી.ડેપોમાં પાણીનાં પરબનું લોકાર્પણ
Next article જૂની પેન્શન યોજના શરૂ કરવા રાજનાથ સિંહ સાથે બેઠક યોજાઈ