નવ વિભાગે દીપડાને જેસરના રાણીગાળા એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો
ભાવનગર જિલ્લાના જળ પલ્લવિત વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં આવી ચડવા તથા લોકો અને પાલતુ પશુઓ પર વધતાં જતાં હિંસક હુમલાઓને પગલે ફોરેસ્ટ વિભાગ દ્વારા આવા જંગલી પ્રાણીઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે તળાજામાં શેત્રુંજી નદી કિનારે આવેલી એક વાડીમાંથી દીપડાને ટ્રેપમાં કેદ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.તળાજા તાલુકામાં સિંહ અને દિપડાની વસ્તીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે તળાજા શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલી શેત્રુંજી નદીના પુલ પાસે આવેલી એક વાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાતો હોવાની માહિતી વનવિભાગને મળી હતી. માહિતી મળતાં વન અધિકારીઓએ બાતમી વાળા સ્થળોએ અલગ અલગ જગ્યાએ ટ્રેપ ગોઠવ્યા હતાં. જેમાંથી એક ટ્રેપમા દીપડો આબાદ રીતે ઝડપાઈ જતાં અધિકારીઓએ દીપડાનો કબ્જો લઈ જેસરના રાણીગાળા એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો.