હિંદુ યુવા સંગઠન દ્વારા વિરોધ સાથે સુત્રોચ્ચાર કરી પોલીસને જવાબદાર વિરૂધ્ધ સખ્ત પગલા ભરવા અંગેની રજૂઆત કરી
શહેરમાં ચાલી રહેલી શાંતિને પલીતો ચાંપવાના પ્રયાસનાં ભાગરૂપે ગઇકાલે ક્રેંસન્ટ સર્કલમાં હિંદુ ધર્મની લાગણી દુભાય તેવા લખાણ વાળું પોસ્ટર લગાવતા રાત્રીના ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાના પગલે હિંદુ યુવા સંગઠનના હોદ્દેદારો હરકતમાં આવ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. જો કે, આ પૂર્વે જ કોઇ અજાણ્યા શખ્સો પોસ્ટરો ઉતારી પલાયન થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે હિંદુ સંગઠનના આગેવાનોએ પોલીસ મથકે જઇ હિંદુ ધર્મની લાગણી દુભાવતા પોસ્ટર બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. બનાવ સંદર્ભે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.ક્રેંસન્ટ વિસ્તારમાં હિંદુ ધર્મની લાગણી દુભાય એવું મોટું બોર્ડ લગાવાયું હોવાની હિંદુ યુવા સંગઠનને ફરિયાદ રૂપી જાણ થતાં મામલો ગંભીર બનવાની શક્યતા પારખી જતા આગેવાનો ઘઠના સ્થળે પહોંચે તે પૂર્વે જ અજાણ્યા શખ્સોએ બોર્ડ ઉતારી નાસી છુટ્યા હતા જ્યારે હિંદુ યુવા સંગઠનનાં અશોક ગોહિલ, અતુલ પંડ્યા સહિત આગેવાનો, કાર્યકરો ઘટના સ્થળે પહોંચી સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ મથકમાં આના જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી આપેલ જેને સ્વિકારી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ સંદર્ભે ભારે ચકચાર મચી જવા પામી છે.