ન્યુ દિલ્હી,તા.૧૧
ટોક્યો ઓલમ્પિક ગેમ્સમાં ભારતે આ વખતે સારુ પ્રદર્શન કર્યુ અને તેમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો છે. ઓલમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ પર ઇનામનો વરસાદ થઇ રહ્યો છે જો કે તેમની ઉપર ઇનામની સાથે ટેક્સની જવાબદારી પણ આવી રહી છે. ખેલાડીઓને જે ઇનામ મળી રહ્યા છે તેની ઉપર ટેક્સ પણ ચૂકવવો પડે છે. સીએ આનંદ જૈન કહે છે કે ઇન્કમ ટેક્સ એકટના સેશન ૧૦(૧૭એ) હેઠળ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઇ ખેલાડીને કોઇ પણ પ્રકારનું ઇનામ આપે તો તે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. તેમણે જણાવ્યું, માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારના જ ઇનામ પર ટેક્સ લાગતો નથી અન્ય તરફથી મળેલા ઇનામ પર ખેલાડીઓએ ટેક્સ ચૂકવવો પડે છે. જેમ કે આનંદ મહિન્દ્રા એ નીરજ ચોપડાને કાર ઇનામમાં આપવાની ઘોષણા કરી છે, હવે તેની ઉપર ખેલાડીએ ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.આવકવેરાની જોગવાઇ મુજબ માત્ર વિજેતા ખેલાડીઓને જ પ્રાપ્ત ઇનામ જ ટેક્સ ફ્રી હોય છે. અન્ય ખેલાડી, કોચ વગેરેને મળતા ઇનામ પર ટેક્સની જોગવાઇ છે. જેમ કે હરિયાણા સરકાર દ્વારા મહિલા હોકી ટીમના નવ સભ્યોને આપવામાં આવનાર ઇનામની રકમ પર ટેક્સ આપવો પડશે.હાલના નિયમ હેઠલ જો તમને ૫૦ હજાર રૂપિયાથી વધારે કિંમતનુ ગિફ્ટ મળે તો તેની ઉપર ટેક્સ ચૂકવવો પડે છે. ઘણી વખત વર્ષમાં ઘણા પ્રસંગો પર તમની મળતી ગિફ્ટ ૫૦ હજાર રૂપિયાની કે તેથી મોંઘી હોય તો તેની ઉપર ટેક્સ ચૂકવવો પડી શકે છે. તમારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં ૫૦ હજાર રૂપિયાથી વધારે મૂલ્યની ગિફ્ટની માહિતી આપવી પડે છે. જો નહીં આપ તો ભવિષ્યમાં મોટી મુસ્કેલી સર્જાઇ શકે છે.