શહેરની ૩૫ શાળાને ફાયર સેફટીના મામલે બીજીવાર નોટીસ ફટકારાઈ

533

માત્ર નોટીસ આપી સંતોષ માનતુ મહાપાલિકા, સીલ મારવાની કામગીરી બંધ : મોટાભાગની શાળામાં હાલ ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરવાની કામગીરી શરૂ હોવાનો ફાયર વિભાગના અધિકારીનો દાવો
ભાવનગર સહિત રાજ્યભરમાં આગના બનાવ વધતા રાજ્ય સરકારે ફાયર સેફટીના નિયમો કડક બનાવ્યા છે અને તેનુ પાલન કરાવવા સરકારી તંત્રને સુચના આપવામાં આવી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ ફાયર સેફટીના નિયમનુ પાલન થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે. ફાયર સેફટીના મામલે અગાઉ બિલ્ડીંગ ધારકો, શાળા સંચાલકો વગેરેને નોટીસ આપી હતી પરંતુ તેમ છતા નિયમનો અમલ નહી કરાતા કેટલાક શાળા સંચાલકોને બીજીવાર નોટીસ આપવામાં આવી છે. ભાવનગર શહેરમાં ફાયર સેફટીના નિયમનુ પાલન કરાવવા માટે મહાપાલિકા દ્વારા લાંબા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજુ મોટાભાગના સ્થળે ફાયર સેફટીના નિયમનુ પાલન થતુ ના હોવાનુ જાણવા મળેલ છે. મહાપાલિકાના ફાયર વિભાગે અગાઉ શાળા સંચાલક સહિતનાને નોટીસ આપી હતી પરંતુ તેમ છતા ફાયર સેફટીનો અમલ નહી થતા ૩પ શાળાને તાજેતરમાં બીજીવાર નોટીસ આપવામાં આવી છે. હાલ મોટાભાગની શાળામાં ફાયર સેફટી સીસ્ટમ નાખવાની કામગીરી શરૂ છે તેમ મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીએ દાવો કરતા જણાવેલ છે. મહાપાલિકા દ્વારા માત્ર નોટીસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેથી ફાયર સેફટીના નિયમની અમલવારી થતી ના હોવાનુ ચર્ચાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ સીલ મારવા સહિતની કડક કાર્યવાહી કરવી જરૂરી છે. થોડા માસ પૂર્વે મહાપાલિકા દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેથી ફાયર સેફટીનો અમલ ના કરતા શાળા સંચાલકો, હોસ્પિટલ, કોમ્પ્લેક્ષ વગેરેના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો પરંતુ છેલ્લા બે માસથી ફાયર સેફટીના મામલે સીલ મારવાની કામગીરી કરવામાં આવી નથી. મનપાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહી આવતા અમલવારી ધીમી થતી હોવાનુ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.

Previous articleઓલમ્પિક ગોલ્ડ વિજેતા નીરજ ચોપરાને મળેલા ઇનામો પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે
Next article૨૦૫૦માં ગુજરાત સિંહમય બની જશેઃ તખુભાઈ સાંડસુર