કિન્નૌર જિલ્લાના રેકોંગ પીઓ-શિમલા હાઈવે પરની ઘટનામાં ભેખડો નીચે અલગ-અલગ વાહનોમાં ૫૦-૬૦ લોકો દબાયા હોવાનું તંત્રનું અનુમાન : ૪૦ લોકોનાં મોતની આશંકા
શિમલા, તા.૧૧
પહાડી રાજ્ય હિમાચલમાં ભેખડો ધસી પડતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪૦ જેટલાના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના કિન્નૌર જિલ્લાના રેકોંગ પીઓ-શિમલા હાઈવે પર બપોરે ૧૨.૪૫ કલાકની આસપાસ બની હતી. જેમાં એક બસ પણ દટાઈ ગઈ છે, જેમાં ૪૦થી વધુ લોકો સવાર હતાં. ભેખડો હેઠળ દટાયેલા કેટલાક નાના વાહનોમાંથી છ લોકોને બચાવવામાં આવ્યા છે. હજુ સુધી હેવી મશીનરી ના આવી હોવાથી રેસ્ક્યુ ઓપરેશનને પૂરજોશમાં શરુ નથી કરી શકાયું. કિન્નૌર જિલ્લાના એસપી સંજુ રામ રાણાના જણાવ્યા અનુસાર, ભાબાનગર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. હાલ પોલીસ ઉપરાંત, આઈટીબીપી, હોમ ગાર્ડ્સ અને રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાની જે તસવીરો સામે આવી રહી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હાઈવે પર પડેલા મહાકાય પથ્થરો અને માટીની નીચે કેટલાક વાહનો દટાઈ ગયા છે. રાજ્યના સીએમ જયરામ ઠાકુરના જણાવ્યા અનુસાર, એક બસ અને કાર આ ઘટનામાં દબાઈ ગયા છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર રેસક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. એનડીઆરએફને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. ઘટનાની વધુ વિગતો હજુ મેળવાઈ રહી છે. પીએમ મોદીએ પણ આ અંગે રાજ્યન સીએમ જયરામ ઠાકુર સાથે વાત કરીને તેમને કેન્દ્ર સરકાર વતી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. બીજી તરફ, એ પણ જાણવા મળી રહ્યું છે કે ઘટના સ્થળ પર હજુય પથ્થરો તેમજ માટી પડી રહ્યા હોવાના કારણે રેસ્ક્યુ ઓપેરશન ટીમને કામગીરી કરવામાં ખૂબ જ મુશ્કેલી આવી રહી છે. રાજ્યના સીએમના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ફસાયેલા લોકોની સંખ્યા ૫૦-૬૦ જેટલી હોઈ શકે છે.જે બસ આ ઘટનામાં દબાઈ ગઈ છે તે રેકોંગ પીઓથી હરિદ્વાર જઈ રહી હતી. સરકારી બસમાં ૪૦થી વધુ લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ સિવાય બીજા પણ કેટલાક વાહનો તેમાં દબાયા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે આઈટીબીપીના ડીજી સાથે વાત કરી સ્થિતિની સમીક્ષા કરવા ઉપરાંત, ફસાયેલા લોકોને બચાવવા ટીમ તૈનાત કરવા જણાવ્યું છે.
અમિત શાહે હિમાચલના સીએમ સાથે પણ વાત કરીને તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે.