સંસદમાં થયેલા હોબાળા પર સભાપતિ નારાજ : વેંકૈયા નાયડુએ ગઈકાલની ઘટના પર કહ્યું, ગઈકાલે સંસદમાં જે થયું તેની નિંદા કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી
નવી દિલ્હી, તા.૧૧
રાજ્યસભામાં અમુક વિપક્ષી સાંસદોના અમર્યાદિત વર્તનના કારણે સભાપતિ એમ. વેંકૈયા નાયડુ એટલા વ્યથિત થયા હતા કે આજે સંસદની કાર્યવાહી શરુ થતાં જ તેમણે એક ભાષણ આપીને તેની નિંદા કરી. તેમણે ઉભા થઈને કડક શબ્દોમાં ગઈકાલના સાંસદોના વર્તનની ટીકા કરી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને લગભગ રડી પડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ અને અન્ય બીજેપી સાંસદો આજે સવારે વેંકૈયા નાયડુને મળ્યા હતા. શક્ય છે કે ગઈકાલે જે સાંસદોએ સંસદમાં હોબાળો કર્યો હતો તેમની સામે સભાપતિ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે. રાજ્યસભા શરુ થતા પહેલા સભાપતિ વેંકૈયા નાયડુએ ગઈકાલની ઘટના પર ક્ષોભ વ્યક્ત કર્યો અને કહ્યું કે, ગઈકાલે સંસદમાં જે થયું તેની નિંદા કરવા માટે તેમની પાસે શબ્દો નથી. તેમણે કહ્યું કે, સંસદ લોકતંત્રનું સર્વોચ્ચ મંદિર હોય છે અને તની પવિત્રતા જાળવવી જરુરી છે. તેમણે જણાવ્યું કે- હું અત્યંત દુખ સાથે કહેવા માટે ઉભો થયો છું કે આ સંસદની ગરિમાનો જે પ્રકારે ભંગ કરવામાં આવ્યો છે તે ઘણું ચિંતાજનક છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જે પ્રકારે વિવિધ ધર્મોના પવિત્ર સ્થળ છે, તેવી રીતે દેશના લોકતંત્રનું મંદિર આપણી સંસદ છે. ટેબલ એરિયા, જ્યાં મહાસચિવ અને પીઠાસીન પદાધિકારી બેસે છે તેને સંસદનું ગર્ભગૃહ માનવામાં આવે છે. વિભિન્ન મુદ્દાઓ પર વિપક્ષના સાસંદો તરફથી હોબાળો કરવાનો સંદર્ભ આપીને સભાપતિએ જણાવ્યું કે, સંસદની પરંપરાઓને તોડવાની જાણે હરિફાઈ લાગી છે. ગઈકાલે જે અપ્રિય ઘટના બની, તે સમયે સંસદમાં કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ અને તેમના સમાધાન પર ચર્ચા થઈ રહી હતી, જે એક મહત્વનો વિષય છે. સભાપતિ પોતાની વાત કહી રહ્યા હતા ત્યારે વિપક્ષી સભ્યોએ પોતાના મુદ્દા પર ચર્ચાની માંગને કારણે હોબાળો શરુ કર્યો હતો. હોબાળાને કારણે સભાપતિએ બેઠક શરુ થઈ તેની પાંચ મિનિટ પછી જ કાર્યવાહી બપોરના બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.