ન્યુ દિલ્હી,તા.૧૧
કોવિશીલ્ડ અને કોવેક્સિન આ બંને રસીને મિક્સ કરીને તેના પર સ્ટડી કરવાને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. હવે આનો ક્લિનિકલ ટ્રાયલ વેલ્લોરની મેડિકલ કૉલેજમાં કરવામાં આવશે. થોડાક દિવસ પહેલા જ વેક્સિનને મિક્સ કરવાને લઈને એક સ્ટડી કરવામાં આવી હતી, જેના પરિણામ ઘણા સકારાત્મક જોવા મળ્યા હતા. કોવિશીલ્ડ અને કોવેક્સિનના ડોઝ મિક્સ કરીને લેવાથી કોરોના સામે વધારે સારી સુરક્ષા મળે છે. આઇસીએમઆર તરફથી વેક્સિનની મિક્સિંગ અને મેચિંગને લઈને આ સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડીના પરિણામ સકારાત્મક જોવા મળી રહ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની એક એક્સપર્ટ પેનલે જુલાઈમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ રસીના ડોઝ પર એક સ્ટડીની ભલામણ કરી હતી. વેક્સિનેશન કૉર્સને પૂર્ણ કરવા માટે એક વ્યક્તિને કોવિશીલ્ડ અને કોવેક્સિનના અલગ-અલગ શૉટ્સ આપવામાં આવી શકે છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ વિસ્તૃત વિચાર-વિમર્શ બાદ સીએમસી, વેલ્લોરના ચોથા સ્ટેજના ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી આપવાની ભલામણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટડી આઇસીએમઆરની સ્ટડીથી અલગ હશે. આ સ્ટડી ઉત્તર પ્રદેશમાં થઈ હતી, જ્યાં લોકોને પહેલા કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા, જ્યારે ૬ અઠવાડિયાના સમયગાળા બાદ બીજા ડોઝ તરીકે કોવેક્સિન આપવામાં આવી. હેટરોલોગસ ગ્રુપમાં કુલ ૧૮ વોલિયન્ટર્સ હતા. આમાંથી ૨ વૉલિયન્ટર્સ સ્ટડીમાં સામેલ થવા નહોતા ઇચ્છતા, ત્યારબાદ તેમને હટાવવામાં આવ્યા હતા. આમાં ૧૧ પુરુષ અને ૭ મહિલાઓ હતી. તેમની સરેરાશ ઉંમર ૬૨ વર્ષ હતી.