દહેગામ તાલુકના સામેત્રી અને રામનગર ગામમાં ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૫૮ ગેસ કનેકશન અપાયા

668

ગાંધીનગર જિલ્લામાં આજે ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણીના ભાગરૂપે ઉજ્જવલા દિવસની ઉજવણી ૨૩ ગામોમાં કરવામાં આવી હતી.
આ નિમિત્તે જિલ્લાના ૨૩ ગામોમાં એલ.પી.જી પંચાયત યોજીને ઓ.અને.જી.સી અને ઉજ્જવલા યોજના અંતર્ગત ૧૫૦૦ જેટલી મહિલાઓને ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા. દહેગામ તાલુકના સામેત્રી અને રામનગર ગામના સંયુક્ત રીતે ઉજવાયેલા ઉજ્જવલા દિવસની ઉજવણી નિમિત્તે ૨૫૮ મહિલાઓને ગેસ કનેકશન કલેકટર એસ.કે.લાંગા અને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે અપાયા હતા. 
 દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સમગ્ર દેશમાં ઉજ્જવલા યોજના અમલી બનાવી છે. આ યોજના થકી દેશની ગરીબી રેખામાં આવતા પરિવારની મહિલાઓને ગેસ કનેકશન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દેશની ૮ કરોડ મહિલાઓને ગેસ કનેકશન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે આ યોજના થકી દહેગામના સામેત્રી અને રામનગર ગામ સંપુર્ણ ગેસ કનેકશન ધરાવતા અને ચુલા મુક્ત  ગામ બની ગયા છે. 
 ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, થોડાક વર્ષો અગાઉ ગેસ કનેકશન એક મોભાનું ચિહૂન ગણાતું હતું. દેશના વડાપ્રઘાન તરીકે નરેન્દ્રભાઇ મેાદીએ શાસનધુરા સંભાળી તે પછી ગરીબ રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓને ચૂલા પર રસોઇ કરવામાંથી મુક્ત કરવા સમગ્ર દેશમાં ઉજ્જવલા યોજના તા. ૧ મે, ૨૦૧૬થી અમલી બનાવવામાં આવી હતી. આ યોજના પાછળના ઉમદા આશય અને ફાયદાઓની વાત કરીને ગાંધીનગર જિલ્લામાં ઉજજવલા યોજના અંતર્ગત થયેલ કામગીરીને પ્રસંશનીય ગણાવી હતી. 
તે ઉપરાંત નજીકના ભવિષ્યમાં ગેસના બાટલાઓની વિતરણ વ્યવસ્થા કેવી ઉભી થશે, તેની પણ વિસ્તૃત વાત કરી હતી. તે ઉપરાંત ગેસના બાટલાનું રીફીલીંગ કરાવ્યા બાદ સબસીડી ખાતામાં કેવી રીતે આવે છે અને આ સબસીડીનો લાભ લેવા શું કરવાનું તે અંગેની પણ જાણકારી આપી હતી.

Previous articleવેચાણવેરા કમિશનર પી. ડી. વાઘેલાને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત
Next articleફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીએ અલ્જેરીયા ગવર્મેન્ટ સાથે સમજુતી કરાર