અગરતલા,તા.૧૧
પશ્ચિમ બંગાળ બાદ હવે ત્રિપુરા ભાજપ અને ટીએમસીનું યુદ્ધનું મેદાન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ત્રિપુરા પોલીસે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અને ટીએમસી નેતા અભિષેક બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અભિષેક પર પોલીસ ફરજમાં વિઘ્ન નાખવાનો આરોપ છે. ખોવાઈ પોલીસ સ્ટેશનનાં ઓસી મનોરંજન દેવ બર્માએ અભિષેક સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે. તેમાં ટીએમસીનાં સાંસદો ડોલા સેન, કુણાલ ઘોષ, મંત્રી બ્રાત્ય બાસુ, સુબલ ભૌમિક અને પ્રકાશ ચંદ્ર દાસનાં નામ સામેલ છે. તેમની સામે બે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. કલમ ૧૮૬ અને ૩૪ હેઠળ સરકારી કામમાં અવરોધ અને પોલીસનાં કામમાં અવરોધ ઉભો કરવાના આક્ષેપો થયા છે. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, રવિવારે સવારે ટીએમસીનાં ૧૪ નેતાઓ અને કાર્યકરોની ધરપકડ બાદ મંત્રી બ્રાત્ય બાસુ અને સાંસદ ડોલા સેનની આગેવાનીમાં પાર્ટી કાર્યકર્તાઓનું એક જૂથ ખોવાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ત્યારબાદ તુરંત જ અભિષેક બેનર્જી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે કહ્યું છે કે, ટીએમસી નેતાઓનાં જૂથે એડિશનલ એસપી અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્રિપુરા પોલીસે હવે ટીએમસીનાં ટોચનાં નેતાઓને ખોવાઈનાં એડિશનલ એસપી અને એસડીપીઓ સાથે ગેરવર્તન કરવા અને પોલીસ કર્મચારીઓને ફરજ બજાવવાથી અટકાવવા બદલ ગુનો નોંધ્યો છે.
Home National International ત્રિપુરા પોલીસે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભત્રીજા વિરુદ્ધ FIR દાખલ કરી