આં.પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કેટલાક લોકોના મોત નિપજ્યા

558

ન્યુ દિલ્હી,તા.૧૧
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક લોકોના મોત થયા હતા. સરકારના કહેવા પ્રમાણે બીજી લહેર દરમિયાન કેટલાક દર્દીઓ જેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા તેમના મૃત્યુ આ કારણે જ થયા હતા. કેન્દ્ર સરકારે પહેલી વખત સ્વીકાર્યું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યો. કેનદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ૯ ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા આ જાણકારી સોંપવામાં આવી છે જેને હવે સંસદના માધ્યમથી જણાવવામાં આવી રહી છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ સરકારના કહેવા પ્રમાણે ૧૦ મે, ૨૦૨૧ના રોજ જીફઇઇ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કેટલાક દર્દીઓના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે, ઓક્સિજન ટેન્ક અને બેકઅપ સિસ્ટમમાં ફેરફારની વચ્ચે ઓક્સિજન લાઈનમાં પ્રેશર ઘટવાથી દર્દીઓને તકલીફ પડી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારો દ્વારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે તેમાં ક્યાંય નથી કહેવામાં આવ્યું કે, કોઈ દર્દી ઓક્સિજનની તંગીના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે રાજ્ય સરકારોએ સ્વીકાર્યું છે કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે તંગી હતી. પરંતુ કોઈ દર્દીના મૃત્યુ પાછળ તેને કારણ નહોતું માનવામાં આવ્યું. સરકારના આ જવાબ પર ખૂબ જ હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. જ્યારે ભાજપના કહેવા પ્રમાણે કેન્દ્રએ ફક્ત એ જ રિપોર્ટ આપ્યો છે જેના આંકડા રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવ્યા છે.

Previous articleમહારાષ્ટ્ર સરકાર પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં સારું કામ કરનાર લોકોને રાજીવ ગાંધીના નામથી એવોર્ડ આપશે
Next articleબાંદીપોરામાં એલઓસી પાસે હથિયારો-દારુગોળાનો મોટો પ્રમાણમાં જથ્થો મળ્યો