ગાંધીનગર જિલ્લાના ભાટ ગામની શાળા ખાતે આદર્શ પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું

1256

શિક્ષકોને ઇશ્વરે સમાજમાં સારા નાગરિક બનાવવાની જવાબદારી આપી છે, તેનું ગૌરવ શિક્ષકોએ લઇ પોતાની ફરજ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ નહિ, પણ ઇશ્વર દ્વારા સોપાયેલ જવાબદારી ને નિષ્ઠા પૂર્વક બજાવી જોઇએ તેવું આજ રોજ શિક્ષણ મંત્રીએ ભાટ ગામની પ્રાથમિક શાળા ખાતે  શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રૂમ ટુ રીટ અંતર્ગત નિર્માણ પામેલ આદર્શ પુસ્તકાલયનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. 
કોઇપણ સમાજ કે રાષ્ટ્ર ને વિકસિત થવાનો પાયો શિક્ષણ જ છે. શિક્ષણને મજબૂત કરવાનું માઘ્‌યમ શિક્ષકો જ છે. જે કામમાં મારું કમિટમેન્ટ હોય અને પછી મારું ઇનવોલમેન્ટ થાય તેનું મને હમેંશા ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તે રીતે ઉપસ્થિત સર્વેને કામ કરવા અપીલ કરી હતી. તેઓએ શિક્ષકોને બાળકોની રૂચિ પારખીને બાળકને વાંચનમાં રસ પડે તેવા પુસ્તક આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. 
૮ વર્ષ સુધીના બાળકોનું મન કોરી સ્લેટ જેવું હોય છે, તેવું કહી શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે બાળકાને જેવું માર્ગદર્શન અને સંસ્કારોનું સિંચન કરવામાં આવશે, તેવો જ તેનો વિકાસ થશે. શાળામાંથી બાળકોના જીવનમાં શિસ્ત, પ્રામાણિકતા અને સંસ્કારોનું વાવેતર થતું હોય છે. બાળકમાં વાંચનનો રસ કેળવવાની વાત પર ભાર મુકી પુસ્તકાલયનું જીવનમાં શું મહત્વ છે, તેની રસપ્રદ વાત કરી હતી. રૂમ ટુ રીટ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આવા ૫૦ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવનાર છે. 
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે, શિક્ષકોએ બાળકોને શિક્ષણમાં રસ પડે તેમ પીરસવાનું છે. બાળક શાળામાં હસતો હસતો આવે તેવું વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકોની છે. બાળક મજાથી શાળામાં આવશે, તો તે પોતાનું શિક્ષણ કાર્ય પણ રસથી કરશે. કલાસના તમામ બાળકો સાથે શિક્ષકનો આઇ કોન્ટેકટ હોવો ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા જનરલ નોલેજના પુસ્તક ’હું બનું વિશ્વ માનવી’ પુસ્તકની વિશિષ્ટતાઓ ની વાત કરીને દરેક બાળક તેને વાંચશે, તો શું ફાયદા થશે તેની પણ વિસ્તૃત વાત કરી હતી. બાળકોમાં બાળપણથી જ વાંચનની આદત પડશે, તો તે મોટો થઇ સારો વાંચક બનશે, તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. 

Previous articleબાળ સુરક્ષા રથને જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે પ્રસ્થાન કરાવ્યુ
Next articleજાફરાબાદના બાબરકોટ ગામે એલપીજી ગેસ કીટનું વિતરણ