ગાંધીનગર,તા.૧૧
ગુજરાતના દરિયા કાંઠે ગત મે મહિનામાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને ભારે વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી હતી. કોંગ્રેસ દ્વારા સરકાર વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને સહાયમાં અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં તાઉતે વાવાઝોડાના નુક્સાનીના રિ-સર્વે બાબતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં કોંગ્રેસના ૫૦ જેટલા ધારાસભ્યોએ તાઉતે વાવાઝોડામાં માછીમારો અને ખેડૂતોને પૂરતા વળતર આપવા અંગે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સરકાર વિરુદ્ધ સુત્રોચાર લખેલા પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા તાઉતે વાવાઝોડામાં નુક્સાનીના વળતરમાં અનિયમિતતા અને વિસંગતતાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, તાઉતે વાવાઝોડામાં વળતરના નામે ભાજપના મળતિયાઓએ લાખો રૂપિયાનો લાભ લઈ લીધો છે. ગાંધીના ગુજરાતમાં અંગ્રેજોનું શાસન ચાલી રહ્યું છે. બીજી તરફ વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણ, અમરીશ ડેર, પ્રતાપ દૂધાત, પૂંજા વંશ સહિત વિરોધ કરી રહેલા ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે. હાલ સ્વર્ણીમ સંકુલ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ વાવાઝોડાના વળતર મુદ્દે મુખ્યમંત્રીને મળ્યું હતું. જો કે હવે કોંગ્રેસ ધારાસભ્યોએ વાવાઝોડામાં અસરગ્રસ્તોને પુરતું વળતર નહીં મળે, તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.