લોર્ડ્સ,તા.૧૧
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતના ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા બંને ટીમની પ્લેઇંગ-૧૧ પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે. એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પહેલી મેચ વરસાદને કારણે ડ્રો રહેતા હવે બંને ટીમ લોર્ડ્સમાં આયોજિત બીજી મેચ જીતવા મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડના મીડિયા રિપોર્ટ્સના આધારે ટ્રેનિંગ દરમિયાન બ્રોડના જમણા પગમાં ઈજા પહોંચતા એ બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. અત્યારે તેને જમણો પગ જમીન પર મૂકતા પણ ભારે મુશ્કલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોર્ડ્સની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડના સ્થાને માર્ક વુડને ઇંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ-૧૧માં જગ્યા મળે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ક વુડે અત્યારસુધી ઇંગ્લેન્ડ તરફથી કુલ ૨૦ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે ૩.૩૫ની ઇકોનોમી રેટ સાથે ૫૯ વિકેટ્સ લીધી છે. વળી ૫૭ વનડેમાં એ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. વનડેમાં તે ૫.૪૬ના ઇકોનોમી રેટથી કુલ ૬૯ વિકેટ લઇ ચૂક્યો છે. શાર્દૂલ ઠાકુરની જગ્યાએ ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-૧૧માં ઈશાંત શર્માને તક મળી શકે છે. જોકે કોહલીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ સિરીઝમાં ૪ ફાસ્ટ બોલર અને ૧ સ્પિનર સાથે મેદાનમાં ઉતરશે. જેથી ઈશાંત શર્માને પ્લેઇંગ-૧૧માં તક મળવાની સંભાવનાઓ વધી જાય છે. શાર્દૂલ ઠાકુરે અત્યારસુધી કુલ ૩ ટેસ્ટ મેચ રમી થે, જેમાં એણે ૩.૪૨ની ઇકોનોમી રેટથી કુલ ૧૧ વિકેટ લીધી છે. ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી છે. વરસાદના કારણે ૫મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી. અંતિમ દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે છેવટે મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. મહત્ત્વની વાત તો એ રહી કે ઈન્ડિયા પાસે ૯ વિકેટ પણ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર ૧૫૭ રન જ કરવાના હતા. પરંતુ વરસાદે પહેલી ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું હતું.