ચંદીગઢ,તા.૧૧
પંજાબના રમત અને યુવા બાબતોના મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ જણાવ્યું, રાજ્ય સરકાર આજે (૧૨ ઓગસ્ટ) ચંદીગઢમાં યોજાનારા ખાસ સમારંભમાં સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને સન્માનિત કરશે.ઉપરાંત ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનું પણ રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે. રાણા સોઢીએ જણાવ્યું, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ ઓલિમ્પિક ખેલાડીઓનું સન્માન કરશે જ્યારે રાજ્યપાલ વી.પી. સિંઘ બદનોર આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. આ સાથે જ મુખ્યપ્રધાનની જાહેરાત મુજબ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ૨ કરોડ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. આ સિવાય ભારતીય હોકી ટીમે ૪૧ વર્ષ બાદ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીત્યો છે. જેમાં કેપ્ટન અને વાઈસ કેપ્ટન સહિત સૌથી વધુ ૧૧ ખેલાડીઓ પંજાબના છે. બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકીના ૧૧ પંજાબી ખેલાડીઓમાં મનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ, ગુરજંત સિંહ, શમશેર સિંહ, વરુણ કુમાર, દિલપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને કૃષ્ણ પાઠકને ૧-૧ કરોડ રૂપિયા આપી સન્માનિત કરવામાં આવશે. ભારતીય મહિલા હોકી ટીમના સભ્યો જે ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહ્યા હતા.જે ટીમમાં પંજાબના રીના ખોખર અને ગુરજીત કૌરનો પણ સામેલ હતા અને છઠ્ઠા ક્રમે આવનાર ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌરને ૫૦ લાખનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત બોક્સર સિમરનજીત કૌર, શૂટર અંજુમ મૌદગીલ અને અંગદવીર સિંહ, તેજિંદર પાલ સિંહ,ગુરપ્રીત સિંહ અને પેરાલિમ્પિક બેડમિન્ટન ખેલાડી પલક કોહલીને પણ ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે.