ટી૨૦ વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ બદલાશે…!

119

ન્યુ દિલ્હી,તા.૧૧
સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં રમાનાર ટી૨૦ વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે. રવિ શાસ્ત્રી, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, બોલિંગ કોચ ભરત અરૂણ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ટીમથી અલગ થઈ શકે છે. મહત્વનું છે કે ટી૨૦ વિશ્વકપનું આયોજન આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યૂએઈમાં થવાનું છે. રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈના કેટલાક સભ્યોને જણાવી દીધું છે કે તે ટી૨૦ વિશ્વકપ બાદ રાષ્ટ્રીય ટીમથી દૂર થઈ શકે છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વિશ્વકપ બાદ સમાપ્ત થઈ જશે. શાત્રી પ્રથમવાર ટીમ ઈન્ડિયાની સાથે ડાયરેક્ટર તરીકે વર્ષ ૨૦૧૪માં જોડાયા હતા. તેમનો કાર્યકાળ ટી૨૦ વિશ્વકપ ૨૦૧૬ સુધી હતી. ત્યારબાદ અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય ટીમના ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પરાજય બાદ શાસ્ત્રીને ફુલ ટાઇમ કોચ બનાવવામાં આવ્યા હતા. શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરીઝ જીતી છે. શાસ્ત્રીના કોચ રહેતા ભારતીય ટીમ આઈસીસી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ શાસ્ત્રીના કોચ રહેતા ટીમ ઈન્ડિયાએ એકપણ આઈસીસી ટ્રોફી જીતી નથી. ટીમ ઈન્ડિયા ૨૦૧૯ના વિશ્વકપના સેમિફાઇનલ સુધી પહોંચી હતી. શાસ્ત્રી સિવાય બોલિંગ કોચ ભરત અરૂણ આવવાથી ટીમ ઈન્ડિયાની બોલિંગમાં સુધાર થયો છે. ટીમમાં ફાસ્ટ બોલરનો એક પૂલ તૈયાર થઈ ગયો છે. પરંતુ હવે ક્રિકેટ બોર્ડે નિર્ણય કર્યો છે કે ટીમને આગામી સ્તર સુધી પહોંચાડવા માટે ફેરફારની જરૂર છે. પ્રોટોકોલ પ્રમાણે બોર્ડ ટી૨૦ વિશ્વકપ બાદ બોલિંગ કોચ માટે અરજી મંગાવશે. કેટલાક અધિકારી પહેલાથી ભારત એ, અન્ડર-૧૯ ટીમ અને એનસીએ પ્રમુખ તથા કોચ દ્રવિડ તરફ ઈશારો કરી રહ્યા છે. દ્રવિડની કોચિંગમાં હાલમાં ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેણે વનડે સિરીઝ કબજે કરી હતી.

Previous articleપંજાબમાં આજે ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે
Next articleઆંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ કરતા કલેકટર