ઈસરોનો EOS-03 ઉપગ્રહ આંશિક રીતે નિષ્ફળ રહ્યો

134

ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામી : ૨૦૧૭થી ભારતની સેટેલાઈટ લોન્ચિંગમાં પ્રથમ નિષ્ફતા
નવી દિલ્હી,તા.૧૨
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનએ પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ ઈઓએસ-૦૩ને ગુરુવાર સવારે લોન્ચ કર્યો છે. જોકે, લોન્ચના થોડા સમય બાદ ઈસરોના અધ્યક્ષ કે. સિવનએ જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે પૂરું નથી થઈ શક્યું.
સ્પેસફ્લાઇટ નાઉ મુજબ, ઈસરોએ પુષ્ટિ કરી છે કે GSLV MK 2 લોન્ચ આજે ક્રાયોજેનિક સ્ટેજ દરમિયાન પર્ફોમન્સમાં ટેકનીકલ ખામીને કારણે અસફળ રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૭ બાદથી ભારતીય લોન્ચમાં આ પહેલી અસફળતા છે. ISRO એ જણાવ્યું કે, સેટેલાઇટનું પૂરી સફર ૧૮.૩૯ મિનિટની હતી પરંતુ અંતિમ સમયે ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામી આવી ગઈ. તેને કારણે ISRO ને આંકડા મળવાનું બંધ થઈ ગયું. ISRO ચીફને જાણકારી આપ્યા બાદ જણાવવામાં આવ્યું કે EOS-03 મિશન આંશિક રીતે અસફળ થઈ ગયું છે. જો ઇસરોનું આ મિશન સફળ થયું હોત તો સવારે લગભગ સાડા દસ વાગ્યાથી તે સેટેલાઇટ ભારતની તસવીરો લેવાનું શરૂ કરી દેતું. આ લોન્ચની સાથે ઇસરોએ પહેલીવાર ત્રણ કામ કર્યા હતા. પહેલું- સવારે પોણા છ વાગ્યે સેટેલાઇટ લોન્ચ કર્યો. બીજું- જિયો ઓર્બિટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને સ્થાપિત કરવાનો હતો. ત્રીજું- ઓજાઇવ પેલોડ ફેયરિંગ એટલે કે મોટા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવો. નોંધનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું. આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પરીક્ષણ સ્થળથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો. તેને જીએસએલવી એફ-૧૦ દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવાનું આયોજન હતું. ત્યારબાદ ઉપગ્રહ પોતાના ઓન-બોર્ડ પ્રપલ્શન પ્રણાલીનો ઉપયોગ કરીને ભૂસ્થિર કક્ષામાં પહોંચી જવાની હતી.

Previous articleખાંભા ગામે મોક્ષધામ મંદિરે સંતવાણી કાર્યક્રમ
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૧૯૫ લોકો સંક્રમિત થયા