૧૫ ઓગસ્ટે ટાઈમ્સ સ્કવેરમાં સૌથી મોટો તિરંગો ફરકાવાશે

616

૨૫ ફૂટ ઊંચા પોલ પર તિરંગાને ભારતના અમેરિકા સ્થિત કોન્સ્યુલ જનરલના હસ્તે ફરકાવવામાં આવશે
નવી દિલ્હી,તા.૧૨
ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી અમેરિકાના ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં કરવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ભારતીય મૂળના નાગરિકો દ્વારા દર વર્ષે અહીંયા આઝાદી પર્વની ઉજવણી કરાતી હોય છે પણ આ વખતે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ટાઈમ્સ સ્કેવરમાં ફરકાવવામાં આવશે. આ તિરંગો ૨૫ ફૂટ ઉંચા પોલ પર ફરકાવાશે. જેની લંબાઈ ૧૦ ફુટ અને પહોળાઈ ૬ ફૂટ હશે. ભારતના અમેરિકા સ્થિત કોન્સ્યુલ જનરલના હસ્તે આ તિરંગો ફરકાવવામાં આવશે. ફેડરેશન ઓફ ઈન્ડિન એસોસિએશન નામના સંગઠન દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. સાથે સાથે ન્યૂયોર્કના ખ્યાતનામ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને પણ તિરંગાના રંગોમાં રોશન કરાશે. સાંજના સમયે ન્યૂયોર્કની હડસન નદીમાં એક ક્રુઝનુ આયોજન કરાયુ છે. જેમાં વીઆઈપીઓ પણ હાજરી આપશે. આઝાદી પર્વે યોજનારા સમારોહમાં ભારતીય મૂળના અમેરિકન ચેસ પ્લેયર અને સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર અભિન્યુ મિશ્રા પણ હાજરી આપશે. તેની વય માત્ર ૧૨ વર્ષની છે.જ્યારે વિમ્બલડન જુનિયર ટુર્નામેન્ટ જીતનાર ભારતીય મૂળના ૧૭ વર્ષના સમીર બેનરજીને સન્માનિત કરાશે.

Previous articleકુલગામમાં બીએસએફના કાફલા પર આતંકી હુમલો
Next articleચંદ્રયાન-ટુને ચંદ્ર પર પાણીના કણોની હાજરીના પુરાવા મળ્યા