કોવિડ-૧૯ વાયરસ થોડા વર્ષોમાં સામાન્ય તાવ બનીને રહી જશે

126

ઘાતકતા ગુમાવ્યા બાદ આ વાયરસ મોટાભાગે વેક્સિન ના લેનારા કે પછી તેના સંસર્ગમાં ના આવનારા નાના બાળકોને અસર કરશે તેવું શોધમાં તારણ
વોશિંગ્ટન , તા.૧૨
કોવિડ-૧૯ આવનારા થોડા વર્ષોમાં એક સામાન્ય તાવ બનીને રહી જાય તેવી શક્યતા છે. પોતાની ઘાતકતા ગુમાવ્યા બાદ આ વાયરસ મોટાભાગે વેક્સિન ના લેનારા કે પછી તેના સંસર્ગમાં ના આવનારા નાના બાળકોને અસર કરશે. આ દાવો હાલમાં જ પ્રસિદ્ધ થયેલા એક મોડેલિંગ સ્ટડીમાં કરવામાં આવ્યો છે. અમેરિકન-નોર્વેજિઅન ટીમ દ્વારા કરાયેલા રિસર્ચમાં જણાવાયું છે કે, કોરોનાની ગંભીરતા બાળકોમાં ઓછી જોવા મળે છે. તેવામાં ધીરેધીરે તેની ઘાતકતા ઘટતી જશે, અને તે દુનિયાભરમાં સામાન્ય તાવ, શરદીના સ્વરુપ પૂરતો મર્યાદિત રહી જશે.
આ રિસર્ચ સાથે સંકળાયેલા નોર્વેની યુનિ. ઓફ ઓસ્લોના ઓટ્ટાર જોર્ડન્સ્ટેડનું કહેવું છે કે, અત્યારસુધી એવું જોવા મળ્યું છે કે વધુ વય ધરાવતા લોકો માટે કોરોનાવાયરસ વધારે ઘાતક સાબિત થયો છે. જોકે, તેમના મોડેલિંગ અનુસાર, વયસ્કો રસી લઈને કે પછી પ્રત્યક્ષ રીતે વાયરસના સંસર્ગમાં આવી ચૂક્યા છે, ત્યારે ધીરે-ધીરે ઈન્ફેક્શનનું જોખમ બાળકો તરફ શિફ્ટ થતું જશે. આ અભ્યાસ જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રસિદ્ધ થયો છે. જેમાં જણાવાયું છે કે, ભૂતકાળમાં અન્ય કોરોનાવાયરસ તેમજ ઈન્ફ્લુએન્ઝા વાયરસની પેટર્નમાં પણ આ જ પ્રકારે ફેરફાર જોવા મળ્યા છે. પ્રો. જોર્નસ્ટેડે જણાવ્યું હતું કે, શ્વસનતંત્ર સાથે સંકળાયેલા રોગ શરુઆતમાં મોટા લોકોને અસર કરે છે, પરંતુ જ્યારે તેમની અસર ઓસરવા લાગે ત્યારે તેમના સંસર્ગમાં આવનારા લોકોની પેટર્ન પણ બદલાય છે. તેમણે આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજાવવા એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે, જેનોમિક વર્કના ડેટા અનુસાર, ૧૮૮૯-૧૮૯૦માં ફાટી નીકળેલા એશિયાટિક અથવા રશિયન ફ્લુમાં તે સમયે ૧૦ લાખથી વધુ લોકો મોતને ભેટ્યાં હતાં. શરુઆતમાં મોટાભાગના મૃતકો ૭૦ વર્ષથી વધુ વય ધરાવતા હતા. તે વખતે એચસીઓવી-ઓસી૪૩ વાયરસે મહામારીનું સ્વરુપ ધારણ કર્યું હતું, જે હાલ સામાન્ય બની ચૂક્યો છે, અને મોટાભાગે ૭-૧૨ મહિનાના બાળકોને થતાં તાવ કે શરદી આ વાયરસને લીધે થતા હોય છે. જોકે, તેમણે સાથે એવી ચેતવણી પણ આપી હતી કે, જો કોવિડ-૧૯ના રિઈન્ફેક્શન સામે રક્ષણ આપતી ઈમ્યુનિટી જો વયસ્કોમાં ડેવલપ ના થઈ તો આ વાયરસ તેમને પણ પોતાના લપેટામાં લઈ શકે છે. જોકે, અગાઉના ચેપ કરતાં રિઈન્ફેક્શન ઓછું ઘાતક રહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોમાં તેની સામે લડવાની જે પ્રતિકારક ક્ષમતા હોય છે, તેનાથી પણ વધુ પ્રતિકારક ક્ષમતા વેક્સિન પ્રદાન કરે છે, જેથી દરેક વ્યક્તિએ ચોક્કસ વેક્સિન લેવી જોઈએ.

Previous articleરાહુલ બાદ કોંગ્રેસનું સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ લોક કરાયું
Next articleમોદી સરકારે લોકશાહીની હત્યા કરીઃ રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર