પક્ષ-વિપક્ષ જરા સમજોઃ ૧ મિનીટ સંસદ ચલાવવાનો ખર્ચ થાય છે ૨.૫૦ લાખ
ન્યુ દિલ્હી,તા.૧૨
સંસદના ચોમાસુ સત્રમાં થઈ રહેલા હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીથી જનતાના ૨૬.૪૦ અબજ રૂપિયાનું પાણી થઈ ગયું છે. આમાં થોડાક વધારે પૈસા નાંખવામાં આવે તો આટલી રકમમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રણ નવી સંસદ બની જાય! સરકારે આ સત્રમાં રાજ્યસભાને જાણકારી આપી કે નવા સંસદ ભવનના નિર્માણનો લગભગ ૯૭૧ કરોડ રૂપિયા ખર્ચ આવી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે સંસદ સત્ર ચાલવા પર દર મિનિટે ૨.૫ લાખ રૂપિયા ખર્ચ થાય છે. પીઆર લેજિસ્લેટિવ રિસર્ચના આંકડા જણાવે છે કે ચોમાસુ સત્રમાં સંસદની પ્રોડક્ટિવિટી છેલ્લા ૨ દાયકામાં ચોથી સૌથી ઓછી રહી. સંસદના નીચલા ગૃહ લોકસભાની ઉત્પાદક્તા ફક્ત ૨૧ ટકા રહી, જ્યારે ઉપલા ગૃહની પ્રોડક્ટિવિટી ૨૯ ટકા રહી. લોકસભા ૧૯ દિવસ સુધી દરરોજ ૬ કલાક પ્રમાણે ચાલવાની હતી. જો કે પેગાગસ જાસૂસી કાંડ અને નવા કૃષિ કાયદાની વાપસી જેવી માંગોને લઈને હોબાળાથી ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો થયો. આ કારણે લોકસભામાં કુલ મળીને ૨૧ કલાક જ કામકાજ થઈ શક્યું. તો રાજ્યસભામાં ૨૯ કલાક કામકાજ થયું. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ પ્રમાણે ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભાને ૧૯ દિવસમાં ક્રમશઃ ૧૧૪ અને ૧૧૨ કલાક કામ કરવાનું હતું. આવામાં ૨૦૧૬ના શિયાળુ સત્ર બાદ લોકસભામાં આ વખતે સૌથી ઓછું કામ થયું. ૨૦૧૬ના શિયાળુ સત્રમાં લોકસભાની કાર્યવાહી શિડ્યુલ ટાઇમના ફક્ત ૧૫ ટકા સમય સુધી જ ચાલી. જો ચોમાસુ સત્રમાં લોકસભા માટે નક્કી કરવામાં આવેલા ૧૧૪ અને રાજ્યસભા માટે નિર્ધારિત ૧૧૨ કલાકને જોડી દઈએ તો સંસદમાં બંને સંસદોને મળીને કુલ ૨૨૬ કલાક થવાનું હતું, પરંતુ થયું ફક્ત ૨૧ ૨૯ એટલે કે ફક્ત ૫૦ કલાક. અલગ અલગ અનુમાનો પ્રમાણે સંસદની દર મિનિટની કાર્યવાહી પાછળ ૨.૫ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ રીતે ૨૨૬ કલાક એટલે કે ૧૩,૫૬૦ મિનિટની કાર્યવાહી પાછળ લગભગ ૩૩.૯૦ અબજ રૂપિયા ખર્ચ થયા. બંને ગૃહમાં થયેલા કામકાજના કલાકને જોડીએ તો આ કુલ ૫૦ કલાક જ થાય છે. એટલે કે ૫૦ કલાક એટલે કે ૩,૦૦૦ મિનિટો પર ખર્ચ થયેલા ૭.૫૦ અબજ રૂપિયાનો ઉપયોગ થયો. ૨૨૬ કલાકમાંથી ફક્ત ૫૦ કલાક જ કામકાજ થયું, આનો અર્થ છે કે ૧૭૬ કલાક એટલે કે ૧૦,૫૬૦ મિનિટ બેકાર ગઈ. બેકાર ગયેલી આ મિનિટો પર ૨૬.૪૦ અબજ રૂપિયા ખર્ચ થયો. સદઉપયોગ થયેલા ૭.૫૦ અબજ રૂપિયાને નીકાળી દેવામાં આવે તો આ રકમ ૨૬.૪૦ અબજ રૂપિયા થાય છે. એટલે કહી શકાય કે સંસદના ચોમાસુ સત્રમાં જનતાની કમાણીના ૨૬.૪૦ અબજ રૂપિયાનો ધૂમાડો થયો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ દાયકાઓમાં બંને ગૃહોનું સૌથી ખરાબ પ્રદર્શન વર્ષ ૨૦૧૦ના શીયાળુ સત્ર દરમિયાન થયું હતું.