ત્રીજી લહેરના ભણકારાઃ બેંગ્લુરુમાં ૬ દિવસમાં ૩૦૦ બાળકો કોરોના પોઝિટિવ થયા

591

બેંગ્લુરુ,તા.૧૨
દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ દૂર થયો નથી. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે દેશમાં કેટલીક જગ્યાઓએ નવા કેસોમાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ વાત એ છે કે, સ્કૂલો ખુલવાને લીધે બાળકો પર ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકના બેંગલુરુમાં આવું જ જોવા મળ્યું છે. કોરોના વાયરસના કેસો ઘટતાં ઘણી જગ્યાએ સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવી છે. કર્ણાટકના બેંગલુરુમાં પણ આવું જ થયું, પરંતુ હાલ અહીં સામે આવેલા આંકડા અનુસાર, અહીં લગભગ છ દિવસમાં ૩૦૦થી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બેંગલુરુના તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડામાં ૦થી ૯ વર્ષના લગભગ ૧૨૭ અને ૧૦થી ૧૯ વર્ષના લગભગ ૧૭૪ બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ આંકડા પાંચથી દસ ઓગસ્ટ વચ્ચેના છે.
ઉપરાંત હિમાચલ પ્રદેશમાં લગભગ ૬૨ વિદ્યાર્થી કોવિડની ઝપેટમાં આવ્યા છે, જ્યારે પંજાબમાં ૨૭ શાળાના બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હરિયાણાની સ્કૂલોમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે. હિમાચલ પ્રદેશે ૨૨ ઓગસ્ટ સુધી સ્કૂલ બંધ કરવાની વાત કહી છે. હરિયાણાએ ૯થી ૧૨ સુધીની સ્કૂલો જુલાઇમાં શરૂ કરી હતી, જ્યારે પંજાબે ઓગસ્ટની શરૂઆતમાં સ્કૂલો શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ સહિત અન્ય જગ્યાઓએ સતત કેસ વધી રહ્યાં છે. ભારતમાં અત્યારે પણ લગભગ ચાર લાખ કોરોનાના એક્ટિવ કેસ છે.

Previous articleસંસદમાં થયેલા હોબાળાને કારણે સામાન્ય પ્રજાના ૨૬૪૦ કરોડ પાણીમાં ગયા
Next articleસોનિયા ગાંધીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્ચ્યુઅલ મિટિંગ માટે આમંત્રિત કર્યા