)ન્યુ દિલ્હી,તા.૧૨
ભારત માટે ભાલા ફેંકમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા નિરજ ચોપરા માટે બીજી સારી ખબર આવી છે.
ભાલા ફેંકના ખેલાડીઓના વૈશ્વિક રેન્કિંગમાં નિરજ ચોપરા બીજા સ્થાને આાવી ગયો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જિત્યા બાદ બીજા ૧૪ ખેલાડીઓને પાછળ રાખીને નિરજે બીજો ક્રમ મેળવ્યો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા નિરજની વૈશ્વિક રેન્કિંગ ૧૬ હતી. એ પછી નીરજે રેન્કિંગના મામલામાં દુનિયાના ઘણા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે. નિરજ હવે વિશ્વ એથ્લેટિક્સ રેન્કિંગમાં ૧૩૧૫ પોઈન્ટ સાથે બીજા સ્થાન છે. તેની આગળ જર્મનીનો જોહાંસ વેટર છે. જેના ૧૩૯૬ પોઈન્ટ છે. વેટર ૨૦૨૧માં સાત વખત ૯૦ થી વધારે મીટર દુર ભાલો ફેંકી ચુકયો છે.
જોકે ટોકિયો ઓલિમ્પિકમાં તેને પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળતા મળી નહોતી. ઓલિમ્પિકમાં ભાલા ફેંકના ગોલ્ડનો દાવેદાર મનાતો વેટર પોતાના બેસ્ટ ૮૨.૫૨ મીટરના થ્રો સાથે નવમા સ્થાને રહ્યો હતો અને ફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો.