મુંબઈ,તા.૧૨
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે બુધવારે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સાથે મુંબઈમાં તેમના ઘરે મુલાકાત કરી હતી. ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર જીતનાર દેશની પ્રથમ મહિલા બન્યા બાદ મીરાબાઇ ચાનુએ ભારતમાં ડંકો વગાડ્યો છે. આખો દેશ મીરાબાઈ ચાનુ સાથે તેની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. બે દાયકામાં વેઇટલિફ્ટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી પછી મીરાબાઇ ચાનુ બીજી ભારતીય છે. મલ્લેશ્વરીએ ૨૦૦૦ ની સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં સિલ્વર મેડલ સાથે ભારતનું ખાતું ખોલ્યું હતું. તેણે મહિલાઓની ૪૯ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો અને ઓલિમ્પિકના પહેલા દિવસે દેશ માટે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની. મેડલ જીત્યા બાદ ભારત પરત આવેલા મીરાબાઈ ચાનુનું સમગ્ર દેશ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં પરત ફર્યા પછી, મીરાબાઈ ચાનુએ ટ્રક ડ્રાઈવરોનું સન્માન કર્યું જેઓ તેમના તાલીમના દિવસોમાં તેમને એકેડેમીમાં લિફ્ટ આપતા હતા. ચાનુના આ પગલાની દેશભરમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
હવે મીરાબાઈ ચાનુ અને સચિન તેંડુલકર એકબીજાને મળ્યા. આ બેઠક બાદ બંને ખેલાડીઓએ સો.મીડિયા પર એકબીજાના ઉમદા વખાણ કર્યા હતા. સચિન તેંડુલકર સાથે પોતાની બે તસવીરો શેર કરતા ચાનુએ ટિ્વટર પર લખ્યું કે, “આજે સવારે સચિન તેંડુલકર સર ને મળીને ખૂબ જ આનંદ થયો. તેમનુ જ્ઞાન અને પ્રેરણાના શબ્દો હંમેશા મારી સાથે રહેશે. ખરેખર પ્રેરણાદાયક. ” ચાનુના ટ્વીટના થોડા કલાકો બાદ સચિને પણ તેનો જવાબ આપ્યો હતો. સચિન તેંડુલકરે લખ્યું, “મીરાબાઈ ચાનુને આજે સવારે મળીને ખૂબ આનંદ થયો. મણિપુરથી ટોક્યો સુધીની તમારી પ્રેરણાદાયી યાત્રા વિશે તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. તમારે આવનારા વર્ષોમાં વધુ આગળ વધવાનું છે. મહેનત કરતા રહો.