ભાવનગર તા,૧૨
સૌરાષ્ટ્ર એ ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ છે. સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા જોવાં મળે છે. ભાવનગરમાં આવું જ એક મંદિર આવેલું છે. જે પૌરાણિક તો છે જ પરંતુ ભાવનગરના ભાવેણાંનું આસ્થાનું પણ પ્રતિક છે.આ મંદિરનું નામ ‘તખ્તેશ્વર મહાદેવ’ છે. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આ મંદિર સને- ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર એટલી ઉંચાઇ પર આવેલું છે કે ત્યાંથી સમગ્ર ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોઇ શકાય છે. એક તરફ દરિયા દેવના દર્શન થાય છે તો બીજી તરફ સમગ્ર શહેરનો નજારો જોવો હોય તો તખ્તેશ્વર મહાદેવથી વધુ સારી જગ્યા ભાવનગરમાં બીજી કોઇ નથી. દરિયા પરથી આવતાં મંદ મંદ પવન આજુબાજુમાં પથરાયેલી હરિયાળી મનને પ્રફુલ્લીત કરી દે છે. પ્રકૃતિ સાથે ભક્તિનો અનોખો સંગમ તખ્તેશ્વર મહાદેવ ખાતે થાય છે. તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન ગણવામાં આવે છે. આ મંદિર સને- ૧૮૮૩માં સફેદ આરસપહાણમાંથી એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની ટેકરી પરથી આખા ભાવનગરનું રમણીય દ્રશ્ય જોઇ શકાય છે. મંદિરને સર તખ્તસિંહજીએ સં.૧૯૪૯, ઈ.સ. ૧૮૯૩ માં જાન્યુઆરી માસમાં દેવાધિદેવ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજાના દર્શન માટે ખુલ્લું મુક્યું હતું. મંદિરનો ઈતિહાસ અનેરો છે. શાંત, રમણીય અને સુંદર પહાડી-ટેકરી ઉપર આવેલું મંદિર લગભગ ૧૨૦ વર્ષ પુરાણું છે. એકવાર મહારાજા તખ્તસિંહજી યાત્રા કરવા નિકળ્યાં. પરત ફરતી વખતે બોટાદ ગામ પાસે એક સંત મળ્યા ખૂબ જ ઠંડીનો માહોલ હતો. આ સમયે રાજાએ સંતને શાલ ઓઢાડી તો સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી તેવી લોકવાયકા છે. આ સંતનું નામ મસ્તરામબાપુ હતું.આ ઘટના પછી તખ્તસિંહજી રાજા સમજી ગયા કે આ કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે. ત્યારબાદ તખ્તસિંહજીએ નીચે ઉતરી તુરંત સંતને પૂછ્યું ‘મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?’ આ સમયે સંત તેની ભાષામાં બોલ્યાં કે, ‘તખ્તા કરી લાત હાથ પક્તા’ ‘ફીર આયેગા વક્તા (વક્ત)’ બાત મસ્તરામ બક્તા” તું બારસો પાદરનો ધણી છો. તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ. દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ. આ ધરતીને છોડ્યાં પછી તારું કામ તને કાયમ ચિરંજીવ રાખશે. આ ઘટના બાદ રાજાએ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. શહેરની હેરીટેઝ પ્રોપર્ટીમાં તેનો સમાવેશ થાય છે. આ મંદિરની આરસની કોતરણી મનમોહક છે. મંદિરના પરિસરમાં બેસી શિવ નામ સ્મરણ કરવાથી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. ટેકરી ઉપરથી સમગ્ર ભાવનગર શહેરને મહાદેવજીના દર્શન થાય છે જેનાથી ભાવનગરવાસીઓને ધન્યતા અનુભવે છે.બીજી એક કિવદંતી એવી પણ છે કે, એક રાત્રિએ રાજાના સ્વપ્નમાં મહાદેવજી આવ્યાં ને કહ્યું ‘હે રાજા નર્મદા કિનારેથી મારૂ લીંગ લાવીને મારી સ્થાપના કરજે. ત્યારબાદ તખ્તસિંહજી રાજાએ સંતના આદેશથી પોતાની સ્મૃતિમાં તખ્તેશ્વર મહાદેવજીની સ્થાપના કરી. શ્રાવણ મહિનામાં આમ પણ શિવમહિમા વધી જતો હોય છે, ત્યારે આ ભાવનગરના ઐતિહાસિક અને પુરાતન મંદિરમાં દરરોજ સવારે ભક્તો ભોળાનાથને રિઝવવાં માટે ઉમટી પડે છે. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠે છે.