સિહોર અર્બન વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાયતીનાં ઉપાયો વિશે જાગૃતિ ફેલાવતું આરોગ્ય તંત્ર

141

ભાવનગર,તા.૧૩
સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતી હોય છે. આ મચ્છરોને કારણે મેલેરીયા જેવાં રોગમાં વૃધ્ધિ થાય છે. તેને અટકાવવાં માટે મચ્છરોનો ઉદભવ ન થાય કે થાય તો તેને અટકાવવા માટેના પગલાં કારગર સાબિત થઇ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ અગાઉ ભાવનગર જિલ્લામાં પોરાભક્ષક માછલી, ટાયરોમાં ભરાયેલાં પાણીને દૂર કરવું વગેરે પગલાઓ લેવામાં આવ્યાં હતાં. આ કડીમાં વૃધ્ધિ કરતાં ભાવનગર આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં આ ઘરની સફાઇ જાળવવા જેવાં ઉપાયો વિશે જાગૃતિ લાવવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાની સૂચનાથી સિહોર અર્બન વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા, સોનગઢ, ટાણા, મઢડા, ઉસરડની ટીમો દ્વારા સિહોરનાં જુદા-જુદા વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરી મચ્છર ઉત્પત્તિ અટકાવીને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા રોગો અટકાવવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. દર અઠવાડિયે રવિવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટે દરેક વ્યક્તિ પોતાના ઘરની સફાઈ કરવાં માટે આપવાં જાહેર અપીલ કરવામાં આવી હતી. આ દશ મિનિટ તમારી પાસે રોગને આવતાં અટકાવશે તેવી સમજ આપવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા પાણીનાં પાત્રોને ઢાંકીને રાખવાં, દર અઠવાડિયે પાણીનાં પાત્રોને ઘસીને સાફ કરવાં અને એક દિવસ ખાલી રાખીને એક દિવસ ડ્રાઈ દિવસ ઉજવવાં સહિતના ઉપાયો સમજાવવામાં આવ્યાં હતાં. આ સિવાય ચકલાના કુંડા, ગાયોની કુંડી દર અઠવાડીયે સાફ કરવાં સહિતના ઉપાયોનું નિદર્શન કરી જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વાકાણી, જિલ્લાનાં પ્રતિનિધિ સરોજબેન ઝાલા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત તથા સુપરવાઇઝરો સામદેવસિંહ ચુડાસમાં, રાહુલભાઈ રમણા, વિક્રમભાઈ પરમાર, રાજદીપસિંહ ગોહિલ, સાજણભાઇ હાડગરણા દ્વારા સુપરવિઝન કરીને ટીમોને માર્ગદર્શન અપાયું હતું.

Previous articleઅલંગમાં ટ્રાન્સપોર્ટ હડતાલથી નાના ઉદ્યોગકારોને નુકશાન
Next articleસુભાષનગર વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીને ખાલી કરવા નોટિસ પાઠવતા લોકો મોટી સંખ્યામાં રજુવાત કરવા દોડી આવ્યા